મમતા બેનર્જીએ ભાજપના નેતાઓ પર રાજકારણમાં ધર્મના ઉપયોગનો આરોપ લગાવ્યો કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું- દીદી બંગાળમાં ભાજપની હાજરીથી હતાશ થઈ ગઈ છે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેનો વિવાદ લોકસભા ચૂંટણી પછી પણ સતત જોવા મળી રહ્યો છે. બંગાળમાં સત્તાધારી તૃણુમૂલ અને ભાજપ એક બીજા પર પોતાની ઓફિસ પર કબજો, તોડફોડ અને હિંસા કરાવવાના આરોપો લગાવી રહ્યાં છે. આવો જ એક મામલો ઉત્તર 24 પરગનાના નૈહાટીમાં સામે આવ્યો છે. અહીં મમતાએ 30 મેનાં રોજ પોતાના પાર્ટી કાર્યાલય પર કબજાનો આરોપ લગાવતાં ભાજપના કમળના નિશાનને દૂર કરીને પોતાની તૃણુમૂલ પાર્ટીનું ચિન્હ બનાવ્યું છે. તો કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું કે દીદીને ગેટ વેલ સૂનનું કાર્ડ મોકલશે.

સોમવારે આસનસોલથી ભાજપ સાંસદ સુપ્રિયોએ કહ્યું કે, “મમતા એક અનુભવી નેતા છે, પરંતુ કેટલાંક સમયથી તેમના વર્તનમાં અસામાન્ય અને અલગ જ બદલાવ આવ્યો છે. તેમને પદની ગરિમા મુજબ મગજને સ્થિર રાખવું જોઈએ. તેઓએ થોડાં દિવસ માટે આરામ કરવો જોઈએ. તેઓ બંગાળમાં ભાજપની હાજરીથી ડરી ગઈ છે. અમે આસનસોલ લોકસભા ક્ષેત્ર તરફથી દીદીને ગેટ વેલ સૂનનું કાર્ડ મોકલીશું.”

મમતાની સામે ભીડે લગાવ્યાં હતા જયશ્રી રામના નારાઃ ભાજપનું નિશાન દૂર કર્યા બાદ મમતાએ કહ્યું કે નૈહાટીની આ ઓફિસ તૃણુમૂલની જ હતી. તેઓએ આરોપ લગાવ્યો કે લોકસભા ચૂંટણી પછી બૈરકપુરથી જીતેલા ભાજપ સાંસદ અર્જુન સિંહ અને તેમના સમર્થકોએ આના પર કબજો કરી લીધો હતો. તો નૈહાટી આવતાં સમયે મમતાના કાફલાની સામે ભીડે જયશ્રી રામના નારા પણ લગાવ્યા હતા. મુખ્યમંત્રીએ કારમાંથી ઉતરીને તમામ વિરૂદ્ધ કાર્યવાહીની ધમકી આપી હતી.

મમતાએ કહ્યું- ભાજપ રાજનીતિમાં ધર્મને મેળવી રહી છેઃ મમતાએ રવિવારે ભાજપ પર રાજનીતિમાં ધર્મનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, “ભાજપ ધર્મ અને રાજનીતિને મેળવીને આ ધાર્મિક નારાઓનો ઉપયોગ ખોટી રીતે પાર્ટી માટે કરે છે. અમે RSSના નામે આ રાજનીતિક નારાઓનું પરાણે સન્માન નથી કરતા. સંઘને બંગાળે કદી સ્વીકાર્યુ નથી. ભાજપના કેટલાંક સમર્થક મીડિયા હાઉસ આનો ઉપયોગ કરીને ધૃણાભરી વિચારધાર ફેલાવવાના પ્રયાસોમાં છે. આ કથિત ભાજપાઈ મીડિયા ફેક વીડિયો, ખોટાં સમાચારોના આધારે ભ્રમ ફેલાવવા અને સત્યને દબાવવાના પ્રયાસમાં હોય છે.”

Contribute Your Support by Sharing this News: