રાજસ્થાનના સ્વરુપગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો
મહેસાણા એસઓજીની ટીમે માનવ આશ્રમ પાસે ઉભેલા ફરાર આરોપીને દબોચી લીધો
ગરવી તાકાત, મહેસાણા તા. 01 – (Sohan Thakor) મહેસાણા એસઓજીની ટીમે શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્વરુપ ગંજ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં છેલ્લા આઠ માસથી પોલીસ પકડથી નાસતાં ફરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતાં ફરતાં આરોપીઓ તેમજ પેરોલ ફર્લો પર છૂટીને પરત ન આવતાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવાના આપેલા મહેસાણા જિલ્લા પોલીસવડાના આદેશથી મહેસાણા એસઓજી પી.આઇ એ.યુ.રોઝના નેતૃત્વમાં પીએસઆઇ વી.એ.સીસોદીયા તથા હેકો. હિતેન્દ્રસિંહ, જીતેન્દ્રકુમાર, પોકો. દિગ્વિજયસિંહ, વિશ્વનાથસિંહ, આશારામ સહિતનો સ્ટાફ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમિયાન પોકો. દિગ્વિજયસિંહ, તથા વિશ્વનાથસિંહને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, રાજસ્થાનના સ્વરુપગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા આઠ માસથી પોલીસ પકડથી નાસતો ફરતો આરોપી મહેબુબખાન પુનમખાન રાઉમાં રહે. હારીજ જી. પાટણ હાલ રહે મહેસાણાવાળો માનવ આશ્રમ ચોકડી પાસે ઉભો છે જે બાતમી મળતાં એસઓજીની ટીમ માનવ આશ્રમ ચોકડી પહોંચી આરોપીને કોર્ડન કરી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.