— મેદાન વગરનું સિદ્ધપુર રમતના મેદાન વગરનું સિદ્ધપુર મેડલ ક્યાંથી આવશે ?
ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુર એક સમયે ક્રિકેટ જેવી રમતોનું હબ કહેવાતું હતું પણ આજે આ શહેર પાસે પોતાનું કોઈ રમતનું મેદાન નથી. એક બાજુ સરકારી મસમોટી જાહેરાતો ‘ખેલગા ઈન્ડિયા જીતેગા ઇન્ડિયા’ પણ સિદ્ધપુર નગરપાલિકા પાસે પોતાના શહેરના યુવાનો માટે સારું રમતનું મેદાન નથી. સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સરકારી વાહવાહી અને નેતાઓ ની ભક્તિમાં લીન હોવાથી આવી સમસ્યાઓ એમની નજરે ચડતી નથી.
સિદ્ધપુર નગરપાલિકા સંચાલિત કેરા કલબ ખંડેર બની રહી છે. જ્યારે આચાર્ય નગર પાછળ આવેલ ઓપન એર થિયેટર બિસ્માર હાલતમાં છે. નગરપાલિકાના વહીવટકર્તાઓ ને નગરની કઈ પડી નથી જેના લીધે લોકોના મોઢે ગણગણાટ છે કે અહીં અપના કામ બનતા ભાંડમે જાયે જનતા.
પાર્કિંગ અને જાહેર શૌચાલય વિનાના મોટામોટા બહુમાળી મકાનો ઉભા કરી અંગત નફો કરવામાં સહભાગી તંત્ર સ્થાનિક સમસ્યા માટે ક્યારે ધ્યાન આપશે નગરપાલિકા.
કરોડોના ખર્ચે બનેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ધૂળ ખાય છે. સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા જેવો જ્યારે દેવ શંકર બાપા ઓડિટેરિયમ ધીમેધીમે ખંડેર બની રહ્યું છે. નગરપાલિકાના અધિકારી એ.સી.ઓફિસમાં આરામ કરે છે અને સિદ્ધપુરમાં સમસ્યાઓ દિનપ્રતિદિન વધવાની વાતો લોકો સોસીયલ મીડિયામાં સેર કરી રહ્યા છે. સમગ્ર સનાતની ધર્મની આસ્થા એવી પવિત્ર સરવસ્તી નદીમાં ગંદકી નાખીને લાખોના ખર્ચે દૂર કરાવવાનો તમાશો લોકોમાં હાંસીપાત્ર બની રહ્યો છે.
શહેરના વિકાસ માટે ખો ખો જેવી રમત ગમતની જગ્યાએ સ્થાનિક નેતાઓ કબડ્ડી રમી પોતાનાં ગ્રુપને બીજા ગ્રુપ ઉપર હાવી કરવા માટે હવાતીયા મારતાં હોવાની વાતો વહેતી થઈ છે. આ બધી બાબતોમાં રમતના મેદાન આપવામાં નિષ્ફળ નગરપાલિકાના વહીવટકર્તાઓ ના રાજીનામાં આપવાની માંગ ધીમેધીમે પ્રબળ બની રહી છે.
તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર