ગરવીતાકાત,મહેસાણા: મહેસાણામાં રાજમહેલ સંકુલ જૂની કોર્ટ સંકુલમાં લગ્ન રજીસ્ટર કરવા પહોંચેલી યુવતીએ છેલ્લી ઘડીએ સહી કરવાનો ઇન્કાર કરતાં પ્રેમી બગડ્‌યો હતો. તેઓ વચ્ચેનો ઝઘડો હાથાપાઇ સુધી પહોંચતાં ભેગા થયેલા લોકોને જોઇ બંને પ્રેમી બાઇક પર ભાગ્યા હતા.

રાજમહેલ સંકુલમાં બુધવારે બપોરે ૨.૩૦ વાગ્યે વકીલ અને નોટરી નટુભાઇના ટેબલની સામેની બાજુ બાઇક લઇને ઉભેલા યુવક અને યુવતી વચ્ચે બોલાચાલી થઇ હતી અને એકાએક વિફરેલા યુવકે હાથમાં રહેલા તમામ દસ્તાવેજો હવામાં ફંગોળી હેલ્મેટ યુવતી તરફ ફેંક્યું હતું.

ચહેરા પર દુપટ્ટો બાંધીને ઉભેલી યુવતીએ પણ પ્રેમી સામે પ્રતિકાર કર્યો હતો. પ્રેમીઓ વચ્ચે થયેલો ઝઘડો જોઇ બનાવ સ્થળે લોકો ભેગા થઇ જતાં પ્રેમીઓ તો ઠીક તેમની સાથે લગ્નના દસ્તાવેજમાં સહી કરવા પહોંચેલા બે યુવકો પણ બાઇકને કીક મારીને ભાગ્યા હતા. જાણવા મળ્યા મુજબ યુવક અને યુવતી લગ્ન નોંધણી કરવા રાજમહેલ સંકુલ આવ્યા હતા, પરંતુ યુવતીએ વકીલે આપેલા પેપર્સમાં છેલ્લા ટાઇમે સહી કરવાનો ઇન્કાર કરી પોતાને ઘરે મૂકી જવાનું કહેતા યુવકે પિત્તો ગુમાવ્યો હતો.