પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

વરસાદની ઋતુનો પ્રારંભ છતાં ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ રહેતા રહીશોમાં રોષ 
પાલનપુરમાં ચાલુ વર્ષે વરસાદી પાણીના નિકાલની કામગીરી માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમાં બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી ચાલતી હોવા છતાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. દરમિયાન આજે પાલનપુરના મેઘા બંગલો સોસાયટીના રહીશોએ તેમના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ રહેતું હોવાની રાવ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે. 
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં વરસાદની ઋતુ સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જતું હોવાથી રહીશોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. તેમાં શહેરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી ચાલી રહી છે. તેમાં પ્રથમ વરસાદી ઝાપટામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં આ વિસ્તારના રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આજે શહેરના મેગા બંગ્લોઝ વિસ્તારમાં રહેતા રહીશોએ વરસાદી પાણીના નિકાલ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.  જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ રોજગાર સ્થળે જવા માટે નીકળે ત્યારે વરસાદી પાણી ભરાઇ રહેતું હોવાથી અવરજવરમાં ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. વૃદ્ધ માણસ પણ પાણીમાં પડી જવાથી જાનહાની થઇ શકે તેવી સ્થિતિ છે. તેમજ કાદવ કિચડને કારણે બાળકોના સ્કૂલ યુનિફોર્મ પણ અવદશામાં ફેરવાઈ જાય છે ત્યારે આ બાબતે વરસાદી પાણીના નિકાલ  માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.