આગામી ચુંટણીમાં ભાજપ પક્ષ અત્યંત નવા ચહેરાઓને લોકસભાના ચૂંટણી મેદાનમાં ઉતારવા આગળ વધી રહી હોવાના સંકેત
મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે તો ખુદે જ ચુંટણી નહી લડવાની જાહેરાત કરવાની સાથે જે વિધાનો કર્યા તે સૂચક છે
ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે આ બેઠક પર ફરી અમીતભાઈ શાહ લડશે તે નિશ્ર્ચિત
ગરવી તાકાત, મહેસાણા તા. 24 – દેશમાં આગામી સમયમાં યોજાનારી લોકસભા ચૂંટણીની તૈયારીમાં ભાજપે હવે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર અને બિહાર સહિતના રાજયોમાં દલિતો-પછાતોના વિશાળ સમુદાયને સાથે લેવા માટે કર્પુરી ઠાકુરને ‘ભારત રત્ન’ની જાહેરાતની એક બાદ એક રાજકીય ચાલ ચાલીને તેની સરસાઈ મજબૂત બનાવી છે તો સાથે ગઈકાલે રાજયની તમામ 26 બેઠકો પર ઉમેદવાર કોણ તેની ચિંતા કર્યા વગર જ જે રીતે કમળ-મધ્યસ્થ ચુંટણી કાર્યાલય શરૂ કરી પ્રચારના શ્રી ગણેશ પણ શરૂ કર્યા છે તે બાદ હવે છેલ્લા કેટલાક સમયથી પક્ષના વર્તમાન સાંસદોના રીપોર્ટ કાર્ડ ‘નેગેટીવ’ વધુ હોવાથી આગામી ચુંટણીમાં પક્ષ અત્યંત નવા ચહેરાઓને લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારવા આગળ વધી રહી હોવાના સંકેત છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ 2014થી 2024નો દશકો એ પક્ષ અને સરકારની છબી મજબૂત બનાવીને ચુંટણી જીતવાનું અત્યંત સરળ બને તે સ્થિતિ સર્જવામાં સફળતા મળી છે અને જેમાં ગુજરાતમાં 2022ની ધારાસભા ચૂંટણી બાદ મંત્રીમંડળની રચનાથી સરકારના પંચાયત ચુંટણીમાં નવા પ્રયોગો કર્યા છે અને હવે તે લોકસભા ચુંટણીમાં પક્ષ હવે તદન નવી કેડરને આગળ ધપાવશે અને બે-ત્રણ અપવાદ સિવાય રાજયના તમામ સાંસદોને ટિકીટ કપાઈ શકે છે.
ગઈકાલે જ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના ચુંટણી કાર્યાલયનો પ્રારંભ કરતા પક્ષના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે આ બેઠક પર ફરી અમીતભાઈ શાહ લડશે તે નિશ્ર્ચિત કરી દીધુ છે તો અન્ય બે માં નવસારીના ભાજપના સાંસદ સી.આર.પાટીલ તથા જામનગરના પુનમબેન માડમ રીપીટ થશે તેવા સંકેતો છે.
સી.આર.પાટીલ ત્રણ વખતથી નવસારી લોકસભા બેઠક જીતતા આવ્યા છે અને 2019માં તેમનો જીતનો રેકોર્ડ 6,89,668 મતોનો રહ્યો છે. આમ તેઓએ જીતના માર્જીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ રાખી દીધા હતા અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે 156 બેઠકો પરના વિજયમાં તેમની ભૂમિકા મહત્વની બની રહી છે. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે તો ખુદે જ ચુંટણી નહી લડવાની જાહેરાત કરવાની સાથે જે વિધાનો કર્યા તે સૂચક છે. તેઓએ કહ્યું કે મારી ઉમર હવે ટિકીટના માપદંડમાંથી દેશને હવે ટેકનોલોજી સહિતના ક્ષેત્રોના જાણકારો અને યુવા તાજા સહિતની જરૂર છે અને તેથી હું ચુંટણી લડવા માંગતી નથી.
આ છે ‘હીટ’ લીસ્ટ – નારણ કાછડીયા, ખેડા દેવુસિંહ ચૌહાણ, આણંદ મિતેષ પટેલ, પંચમહાલ શામસિંહ રાઠોડ, છોટા ઉદેપુર, ગીતાબેન રાઠવા, વડોદરા રંજનબેન ભટ્ટ, બારડોલી પ્રભુ વસાવા, સુરત દર્શનાબેન જરદોષ, વલસાડ કે.સી.પટેલ, બનાસકાંઠા પરબત પટેલ, સાબરકાંઠા દીપસિંહ રાઠોડ, પાટણ ભરત ડાભી અને મહેસાણા શારદાબેન પટેલ, અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ, અમદાવાદ પશ્ર્ચિમ કિરીટ સોલંકી, સુરેન્દ્રનગર ડો. મહેન્દ્ર મુંજપરા, રાજકોટ મોહન કુંડારીયા, પોરબંદર રમેશ ધડુક અને કચ્છના વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે ચુંટણી લડવાની અનિચ્છા જાહેર કરી છે.