— આચાર્ય ગ્રાન્ટનો દુરૃપયોગ કરતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સૂંઢીયા ગામની પ્રાથમિક શાળાની ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી હતી. શાળાઓ ખુલ્યાના પ્રથમ દિવસે આચાર્ય દ્વારા ગ્રાન્ટનો દુરૃપયોગ થતો હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ તાળાબંધી કરી દેતાં શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ યોગ્ય તપાસની ખાતરી આપતા 2 કલાક સુધી શાળા બંધ રાખ્યા બાદ ગ્રામજનોએ તાળા ખોલી દીધા હતા.
સૂંઢીયા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ગ્રાન્ટનો દુરૃપયોગ કરીને અણઘડ વહીવટ કરાતો હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી દીધી હતી. સોમવારે શાળા ખુલ્યાનો પ્રથમ દિવસ હોવાથી તાળાબંધી કર્યાના સમાચાર મળતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાલુકા શિક્ષણાધિકારી સહિતની ટીમને સૂંઢીયા મુલાકાત કરવાનો આદેશ કર્યો હતો.
જેના પગલે તાલુકા શિક્ષણાધિકારી, બીઆરસી કોઓર્ડીનેટર અને બીટ નિરીક્ષક સહિતની ટીમે સૂંઢીયા ગામ પહોંચીને ગ્રામજનો સાથે મુલાકાત કરીને ગ્રામજનોને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ, ગ્રામજનો ટસના મસ નહી થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ યોગ્ય તપાસની ખાતરી આપી હતી. યોગ્ય તપાસ કરવાની ખાતરી બાદ બે કલાક સુધી બંધ રહેલી શાળાના ગ્રામજનોએ તાળા ખોલી દીધા હતા. તેથી શિક્ષણ વિભાગના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.