— જવાબદાર કર્મચારી હાજર નહી રહેતાં નાગરીકોને હાલાકી :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના લીંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવાબદાર આરોગ્ય કર્મચારી હાજર નહી રહેતા તેમજ છાશવારે કર્મચારીઓની થતી બદલી મુદ્દે ગ્રામજનોએ સોમવારે આરોગ્ય કેન્દ્રની તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કર્યુ. 2 વર્ષમાં ૨૫ મેડીકલ ઓફિસરની બદલી કરાતા ગરીબ દર્દીઓને આરોગ્ય સેવાઓ માટે રઝળપાટ થતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.
લીંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ફીમેલ હેલ્થ વર્કરની તાજેતરમાં બદલી કરીને કડી તાલુકાના ખાવડ ખાતે મૂકવામાં આવ્યા છે. તેમની જગ્યા ઉપર જિલ્લા ફેર બદલીથી આવેલા કર્મચારીની નિમણૂંક કરતાં જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ ડીડીઓને લેખિત રજૂઆત કરીને બદલી રદ કરવા માંગ કરી હતી. 5 દિવસમાં બદલી રદ નહી કરાય તો જિલ્લા પંચાયત સામે ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
તેવામાં સોમવારે લીંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સવારે ૯ વાગે એકપણ કર્મચારી હાજર નહી હોવાથી ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી હતી. પ્રસૂતિની દવા લેવા આવેલી એક મહિલા અડધો કલાક બેસી રહેવા છતાં કર્મચારી નહી આવતા ગ્રામજનો વિફર્યા હતા. તાળાબંધી કર્યા બાદ આવેલા મહિલા કર્મચારીઓનો સમય પૂછવામાં આવતા તેઓ ૧૦ મિનિટ મોડા હોવાનો સ્વીકાર કર્યો હતો. ૧૫ દિવસે લીંચ આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરની બદલી કરાતી હોવાનો તેમજ બે વર્ષમાં ૨૫ મેડીકલ ઓફિસર બદલી નાખ્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.
ગરીબ મહિલાઓ પ્રસૂતિ માટે આવતી હોવાથી એક કર્મચારીની ૨૪ કલાક હાજરીની માંગ સાથે ફરજ ઉપર હાજર થવા આવેલા મહિલા કર્મચારીને તેમનો સંદેશો જિલ્લા આરોગ્ય અધિકારી સુધી પહોંચાડવા તાકીદ કરી હતી. લીંચ આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની ગેરહાજરીને લઈને થઈ રહેલી લાલિયાવાડી સામે ગ્રામજનોએ અવાજ ઉઠાવીને લડત શરૃ કરતાં આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.