રાજ્યમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે એવામાં અનેક વિસ્તારમાં સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં સાબરકાંઠાના તલોદમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. તલોદમાં સાત દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેમાં 10 મેથી 16 મે સુધી તલોદમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈયે કે, તલોદમાં અત્યાર સુધીમાં 575 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાંથી શહેરી વિસ્તારમાં 182 અને ગ્રામ્ય વિસ્તારના 393 કેસનો સમાવેશ થાય છે. માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો સવારે 6થી 9 સુધી અને સાંજે 4થી 6 સુધી ખુલી રહેશે. અન્ય તમામ દુકાનો બંધ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
આ સીવાય સાબરકાંઠાના વડાલી અને તલોદની સાથેસાથે પંચમહાલના મોરવા હડફમાં પણ લોકડાઉનની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મોરવા હડફમાં 12 મે સુધી વેપારી એસોસિયેશન દ્વારા બજારો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.