ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. મહેસાણા જિલ્લામાં અનેક ઠેકાણે હજુ પણ વરસાદ વરસી રહ્યો. મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન સૌથી વધુ કડીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બનાસકાંઠામાં સૌથી વધુ ભાભરમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા.
મહેસાણા જિલ્લામાં 2 દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી હતી. જેને પગલે ગત મધરાતે મહેસાણામાં મેઘરાજા મહેરબાન થયા. ધોધમાર વરસાદના પગલે તાજેતરમાં 147 કરોડના ખર્ચે બનાવેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો. જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો.
મહેસાણા જિલ્લામાં 147 કરોડના ખર્ચે બનાવેવા અંડરબ્રિજનું થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકાર્પણ કર્યુ હતું. ત્યારે ધોધમાર વરસાદના પગલે લોકાર્પણના 4 દિવસે જ અંડ
રબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી બ્રિજને વાહનવ્યાવહાર માટે બંધ કરવો પડ્યો. આ વચ્ચે બ્રિજમાં પાણી ભરાવાના કારણે એક ટ્રક ફસાઈ ગઈ હતી. મહેસાણા હાઇવે અને મોઢેરા ચાર રસ્તા અંડરપાસ, ગોપી અને ભમરીયા નાળામાં પણ વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાતા અંડરપાસ બંધ કરવામાં આવ્યો. હાઇવેને ડાયવર્ટ કરવામાં આવ્યો. મોઢેરા અને રાધનપુર રોડ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.
ભારે વરસાદની આગાહી વચ્ચે મહેસાણામાં ગત મોડી રાત્રે સાડા ૩ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. જોકે માત્ર થોડા વરસાદના કારણે મહેસાણા શહેરની હાલત કફોડી થઈ ગઈ છે. રાજકમલ પેટ્રોલ પંપથી લઈને માલ ગોડાઉન સુધી ઘુંટણસમા પાણી ભરાયા છે. પેટ્રોલ પંપથી માલ ગોડાઉનની વચ્ચે 30 જેટલી સોસાયટીઓ આવેલી છે જ્યાંના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. લોકોના ઘર સુધી પાણી પહોંચી જતા ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું
આ તરફ મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. મહેસાણામાં 3. 10 ઈંચ અને જોટાણામાં 3 ઈંચ વરસાદ વરસ્યો. વડનગર અને બહુચરાજીમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઊંઝામાં 1 ઈંચ, વિસનગર અને સતલાસણામાં પોણો ઈંચ વરસાદ થયો
મહેસાણા શહેરમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. ત્યારે મહેસાણા ઊંઝા રોડ પર બનેલા રામોસણા ઓવર બ્રિજના ડિવાઈડર પર એક ઇકો ગાડી ચડી ગઈ હતી. જોકે, મોટો અકસ્માત થતા અટક્યો હતો.
ભારે વરસાદ બાદ મહેસાણાનું બસ પોર્ટ તળાવમાં તબદીલ થઈ ગયું છે. કરોડોના ખર્ચે બનેલા આ બસ પોર્ટની હાલત સાડા ૩ ઈંચ વરસાદમાં કફોડી થઈ ગઈ છે. વરસાદી પાણી છેક સ્ટેશન સુધી પહોંચી ગયા છે જેના કારણે મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. બસ તો હેમખેમ પહોંચી જાય છે પણ મુસાફરો સ્ટેશન સુધી પહોંચતા હશે તે આ દ્રશ્યો જોઈને અંદાજ આવી શકે