કડી શહેરમાં બુધવાર મધ્યરાત્રી બાદ તસ્કરોએ ગાંધીચોક પોલીસ ચોકી પાસે આવેલ શક્તિ કો.ઓપરેટીવ ક્રેડિટ લિમિટેડ અને હસનૈન નામની જવેલર્સની દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેમાં દુકાનની અંદરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા હતા. પોલીસે આ આધાર પુરાવા આધારે એક આરોપીને ઝડપી પાડ્યો છે જ્યારે હજુ મુખ્ય સુત્રધાર પોલીસ સીંકજામાથી ફરાર છે.
આ કેસની વિગત એવી છે કે, કડીમાં તીનબત્તી પાસે આવેલ સોના-ચાંદીની દુકાનમાં ચોરી અને ગાંધીચોક પાસે આવેલ શક્તિ કો ઑપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડમાં ચોરીનો પ્રયાસ ગત બુધવારે મધ્યરાત્રિએ તસ્કરોએ કર્યો હતો. જે સંદર્ભે મહેસાણા જિલ્લાના પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે ગુનો ડીટેક્ટ કરવા એસ.ઓ.જી પોલીસ ઈન્સ્પેક્ટર બી.એચ રાઠોડ સુચના આપેલ. જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો મહેસાણા ના આઝાદ ચોક પાસે એસ.ઓ.જી પેટ્રોલીંગમાં હતા તે સમયે પોલિસ સ્ટાફના નરેશ કુમાર તથા અબ્દુલ ગફાર નાઓને ખાનગી રાહે માહિતી મળી હતી કે એક ઈસમ હાથમાં થેલીમાં શંકાસ્પદ ચીજ વસ્તુ ભરીને વેચાણ સારું મહેસાણા સિદ્ધપુરી બજાર નજીક ફરી રહેલ છે જે હકીકતના આધારે એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો સ્થળ વાળી જગ્યા ઉપર પહોંચીને કૉર્ડન કરીને ઈસમની અટક કરી હતી. ઈસમનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ વેપારી તોફીક ઉર્ફે બંગાળ ઉસ્માનભાઈ રહે.કડી કસ્બા બાવલીયા કૂવા હોવાનું જણાવેલ હતું. અને તેની પાસે એક વાદળી કલરની થેલી જે થેલીના ઉપરના ભાગે એ.એમ મેમણ સોના- ચાંદીના દાગીના ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ શરાફ બજાર કડી લખાણ લખેલ હોય જે થેલીમાંથી ચાંદીના દાગીના મળી આવે જેમાં ચાંદીની કંઠીઓ,ચેઇનો, કડા,નાનીમોટી શેરો, લકી, નજરિયા, વીંટીઓ, પૂજાનું છત્તર,આંકડા,માદળીયાં તથા અન્ય પરચુરણ ચાંદીના ટુકડા તથા ગ્રહોના નંગો,માદરીયા મળી આવેલ. કુલ.2 કિલો 295 ગ્રામ તથા અન્ય સરસામાન કુલ કિં.₹.1,11,900/- મુદ્દામાલ ઈસમ પાસેથી મળી આવેલ હતો.
મુખ્ય આરોપી યાસીન ઉર્ફે ટાઇગર પોલીસ પક્કડથી દુર
મહેસાણા એસ.ઓ.જીએ આ ઈસમની સઘન પૂછતાછ કરતા આ ઈસમે બે દિવસ અગાઉ તેણે તથા પઠાણ યાસીન ઉર્ફે ટાઇગર કાલેખાન રહે.કડી વાળાઓએ ભેગા મળીને બુધવારની રાત્રિએ કડી તીનબત્તી પાસે આવેલ ચાંદીની દુકાનમાં દુકાનનું તાળું તોડી દુકાનમાંથી ચાંદીના દાગીના તથા અન્ય સર સામાનની ચોરી કરેલ હોવાનું જણાવેલ હતું. એસ.ઓ.જી પોલીસે આ ઈસમની ધરપકડ કરીને કડી પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરી હતી
જૈમિન સથવારા – કડી