જાગો લેઉવા પટેલો જાગો’ પત્રિકા વાયરલ કરનાર ચાર કોંગ્રેસીઓની ધરપકડ
અલગ-અલગ દસથી વધુ મુદા સાથેની પત્રિકાઓ શહેરી વિસ્તાર સહિત ગામડાઓમાં પણ ફેરવવામાં આવી
ગરવી તાકાત, રાજકોટ તા. 03 – રાજકોટમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર અંતિમ પડાવમાં પહોંચ્યો છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજ વચ્ચે મતભેદ અને વૈમન્યસ્ય ઉભું કરવાં પત્રીકા જાહેરમાં વેંચી સોશીયલ મીડિયામાં વાયરલ કરનાર ચાર કોંગ્રેસી કાર્યકર સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાયા બાદ મોડી રાત્રે ક્રાઇમ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને ચારેય કોંગ્રેસી કાર્યકરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટમાં મવડીમાં ગાયત્રીપાર્કમાં સંસ્કાર સીટીની પાસે રહેતાં મહેશભાઈ રવજીભાઈ પીપરીયા (ઉ.વ.45) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કેતન વાળા, પ્રકાશ વેજપરા, વિપુલ તારપરા, દિપ ભંડેરી તેમજ પત્રિકા તૈયાર કરનાર અજાણ્યાં શખ્સોના નામ આપતાં તાલુકા પોલીસે આઇપીસી 153(એ), 188,114 અને લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદમાં મોડીરાતે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તમામ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ હડમતાળામાં કારખાનું ધરાવે છે અને શહેર વોર્ડ નં.11 માં ભાજપ પ્રમુખ તરીકે સેવા આપે છે. ગઇ તા.01/05/2024ના રાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે હતાં ત્યારે તેમના મિત્ર અને કિશાન મોરચા વોર્ડ નં.11 ના મહામંત્રી રાજુભાઈ ડાંગરીયાનો ફોન આવેલ કે, તેઓ રાજદિ5 સોસાયટીમાંથી પસાર થતા હતાં ત્યારે જોવામાં આવેલ કે, કેતનભાઈ તાળા, પ્રકાશ વેજપરા, વિપુલ ભાઈ તારપરા, દિપ ભંડેરી રાજદિપ સોસાયટીમાં ઘરે-ઘરે પત્રીકાઓ નાખતા હતાં.
બાદમાં તેઓએ પત્રીકા લઇ વાંચતા તેમાં લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજ વચ્ચે મતભેદ થાય તેવા લખાણ લખેલા છે તેવો ફોન આવતા ફરિયાદીએ રૂબરૂ મળવા બોલાવતા રાજુભાઈ બાપસીતારામ ચોક રીયલ પ્રાઇમ એપાર્ટમેન્ટ પાસે ભેગા થયેલા અને પ્રત્રિકા આપતા જેમાં જય સરદાર જય માં ખોડલ જાગો લેઉવા પટેલો જાગો તેવા શીર્ષક હેઠળ પત્રીકામાં લેઉવા પટેલ અ ને કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ઉદભવ થાય તથા બંને સમાજો વચ્ચે મતભેદ ઉત્પન થાય તેવું લખેલ હતું. જેમાં અલગ અલગ દસ મુદ્દાઓ ટાંકી વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો.
જેથી કેતન તાળા, પ્રકાશ વેજપરા, વિપુલભાઇ તારપરા, દિપ ભંડેરી અને પત્રીકા તૈયાર કરનાર શખ્સોએ આગામી તા.07/05/2024 ના યોજાનાર લોકસભાની ચુંટણીનો પ્રચાર હાલ ચાલી રહેલ હોઇ તે દરમ્યાન લેઉવા પટેલ સમાજ અને કડવા પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉદભવ થાય તેમજ બંને સમાજો વચ્ચે મતભેદ ઉત્પન થાય તેવા લખાણ વાળી પ્રિન્ટર કે પ્રકાશકના નામ વગરની પત્રીકા લોકોમાં વહેચી તેમજ સોશીયલ મીડીયામાં વાયરલ કરી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરેલ હોય જથી આરોપીઓ સામે ફરીયાદ નોંધાઈ હતી.