— રાધનપુર રોડ ઉપર એસ.એમ.કોમ્પલેક્ષને સીલ કરવા મામલે નવો વળાંક
— શોપ્સ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ કરીને પેમેન્ટ સ્વીકારીને માંગણા બીલો
— મોકલ્યા હોવા છતાં ગેરકાયદે બાંધકામ ગણી સીલ કરાતા પાલિકા તંત્ર સામે અનેક સવા
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના રાધનપુર રોડ ઉપર પ્રકાશ સોસાયટી પાસેના દેસાઈ ભટીબેન માંડણભાઈની માલિકીના એસ.એમ.કોમ્પલેક્ષને સીલ કરવા મામલે નવો વળાંક આવ્યો છે. સીલ કરાયેલા બિલ્ડીંગમાં કાર્યરત વરદાન વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોએ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, કલેક્ટરને લીગલ નોટીસ ફટકારીને સીલ ખોલવામાં નહી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની તાકીદ કરતાં મામલો વધુ ગરમાયો છે. જ્યારે બિલ્ડીંગના માલિકને નોટીસ આપીને દિન-૧૦ માં સીલ દૂર કરવાની તજવીજ નહી કરાય તો ફોજદારી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
રાધનપુર રોડ ઉપર પ્રકાશ સોસાયટીની બાજુમાં સીટી સર્વે નંબર ૩૧૯૭ અને ૩૧૯૮માં એસ.એમ.કોમ્પલેક્ષ નામના બિલ્ડીંગને ગેરકાયદેસર બાંધકામ ગણીને પાલિકા દ્વારા સીલ કરાયુ હતુ. આ બિલ્ડીંગમાં વરદાન વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલને પણ સીલ કરાઈ હતી. હોસ્પિટલના તબીબ ડો.નિરવ પટેલ અને ડો. નિધિ પટેલ દ્વારા એસ.એમ.કોમ્પલેક્ષના બીજા માળે ૧ થી ૮ નંબરની દુકાનો બિલ્ડીંગના માલિક કૌશિક દેસાઈ અને માધવીબેન દેસાઈ પાસેથી ભાડે રાખી હતી.
મિલકત ભાડે રાખતી વખતે રજીસ્ટર્ડ બક્ષિસ લેખની નકલ તેમજ સબ રજીસ્ટ્રારની ઓફિસમાં રજૂ કરેલુ પાલિકાનુ માંગણા બીલ અને તેના આધારે સીટી સર્વેમાં મિલકત ટ્રાન્સફર થયાના દસ્તાવેજો બતાવ્યા હતા.પાલિકાએ શોપ્સ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ નીચે તબીબોને હોસ્પિટલ ચલાવવા તા.૧-૧૨-૨૦૧૯ ના રોજ એસ્ટાબ્લીસમેન્ટ રજીસ્ટર્ડ કરીને પેમેન્ટ પણ સ્વીકાર્યુ હતુ.
જેના આધારે તબીબોએ રૃપિયા ૪૦ થી ૫૦ લાખનો ખર્ચ કરીને રૃપિયા ૧.૫૦ કરોડના મેડીકલ સાધનો વિકસાવ્યા હોવાનો દાવો કર્યો છે. ત્યારબાદ પાલિકા દ્વારા એક નોટીસ આપીને હોસ્પિટલને સીલ કરી દેવામાં આવતાં દૈનિક રૃપિયા ૩૦ હજાર અને સ્ટાફના માસિક પગાર રૃપિયા ૭૦ હજારનુ નુકશાન થઈ રહ્યુ હોવાથી
તબીબોએ વકીલ રાજેન્દ્ર ડી. શાહના માધ્યમથી ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને કલેક્ટરને લીગલ નોટીસ પાઠવીને સીલ ખોલી નાખવા માંગણી કરી છે. પાલિકાની બેદરકારીના પરિણામે તેમના અસીલોએ મિલકત ભાડે રાખી હોવાથી સીલ નહી ખોલવામાં આવે તો કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવતાં એસ.એમ.કોમ્પલેક્ષને સીલ કરવા બાબતે નવો વળાંક આવ્યો છે.
— મિલકત માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી :
પાલિકા અને કલેક્ટરને નોટીસ પાઠવનાર તબીબોએ બિલ્ડીંગ માલિક કૌશિક દેસાઈ, માધવી દેસાઈ, ભટીબેન દેસાઈને લીગલ નોટીસ ફટકારીને રેન્ટ નોટમાં ખોટી હકીકતો લખીને છેતરપીંડી કરી હોવાનો દાવો કર્યો છે. રૃપિયા ૪૦ થી ૫૦ લાખનુ રીનોવેશન કર્યા બાદ રૃપિયા દોઢ કરોડના મેડીકલ ઈક્વીપમેન્ટ વિકસાવ્યા હોવાથી દિન-૧૦ માં સીલ દૂર કરવાની તજવીજ નહી કરાય તો તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવાની તબીબોએ ચીમકી આપી છે.