— મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિની તાલીમ શિબિરમાં પ્રદેશ પ્રમુખનો ધુ્રજારો :
— પક્ષના કાર્યક્રમોમાં ગેરહાજર રહેનારા હોદ્દેદારોનો ખુલાસો પૂછવા તાકીદ :
ગરવી તાકાત મહેસાણા : તમારામાં આત્મ વિશ્વાસ નહી હોય તો કાર્યકરોમાં ક્યાંથી આવશે અને કાર્યકરોમાં આત્મ વિશ્વાસ નહી હોય તો પ્રજાને કઈ રીતે આત્મ વિશ્વાસ આપી શકશે. કોંગ્રેસમાં બે-પાંચ ટકા લોકો પક્ષની નબળાઈની વાતો કરતા હોય છે. જેની પાસે જવાબદારી હોય છે તેવા લોકો કહે છે કે ઉપરથી જામતુ નથી. કોંગ્રેસ અંગે આવી નબળી વાતો કરનારા પક્ષ છોડી દો તેવું નિવેદન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મહેસાણામાં આપ્યુ હતુ. આ તબક્કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પક્ષના કાર્યક્રમોમાં ગેરહાજર રહેનારા હોદ્દેદારોને ખુલાસો પૂછવા કાર્યકારી જિલ્લા પ્રમુખને તાકીદ કરી હતી.
અર્બુદા ભવનમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી તાલીમ શિબિરમાં જગદીશ ઠાકોરે વિધાનસભાની ચૂંટણી અંગે તમામ શંકાઓમાંથી બહાર નીકળીને ભાજપ સરકારને હરાવવા માટેના અનેક મુદ્દા હોવાથી પ્રજામાં લઈ જઈને તમામ બેઠકો ઉપર જીતવા કામે લાગી જવા કહ્યુ હતુ.
બેઠકમાં હોદ્દેદારોની પાંખી હાજરી જોઈને પ્રદેશ પ્રમુખે જિલ્લાના કાર્યકારી પ્રમુખને ગેરહાજર રહેનારા હોદ્દેદારોનીયાદી બનાવીને ખુલાસો પૂછવા અને પક્ષના કાર્યક્રમોમાં સતત ૪ વખત ગેરહાજર રહેનારા હોદ્દેદારોની નોંધ લેવા તાકીદ કરી હતી. ભાજપ પાસે હિન્દુ-મુસ્લીમ સિવાય કોઈ મુદ્દો નહી હોવાનુ અને કોંગ્રેસ પાસે અસંખ્ય મુદ્દા હોવા છતાં કોંગ્રેસ અંગે નબળી વાત કરનારા લોકોને પક્ષ છોડી દેવાની ગર્ભિત ચીમકી આપી હતી. આ ઉપરાંત ભાજપે ૨૭ વર્ષના શાસનમાં દરેક સમાજમાં ભાગલા પાડીને ભાઈચારાની ભાવનાને ખતમ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
— જિલ્લા અને તાલુકાના સંગઠનની રચના અઠવાડીયામાં કરી દેવાશે :
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યુ હતુ કે, જિલ્લા અને તાલુકાના સંગઠનની રચના અઠવાડીયામાં કરી દેવામાં આવશે. સારૃ કામ કરવાવાળાને રીપીટ કરીને બાકીનાને સંગઠનથી દૂર કરાશે. જિલ્લા અને તાલુકાના સંગઠનની રચનામાં વિલંબ અંગે રઘુ શર્માએ પોતાને જવાબદાર ગણાવીને નરેશ પટેલના કોંગ્રેસના જોડાવા અંગે નરેશ પટેલને પૂછવા કહ્યુ હતુ.
— જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારો પૈકી 10 ટકા હાજર રહ્યાં :
તાલીમ શિબિરમાં જિલ્લા, તાલુકા, શહેરના સંગઠનના હોદ્દેદારો, જિલ્લા કારોબારીના સભ્યો, પાલિકા, તા.પં., જિ.પં., ચૂંટણી જીતેલા અને હારેલા ઉમેદવારો, ધારાસભ્યો, પૂર્વ સાંસદો અને તમામ ફ્રન્ટલ અને સેલના પ્રમુખોને હાજર રહેવા આમંત્રણ અપાયુ હતુ. મહેસાણા જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડેલા ૪૨, ૧૦ તાલુકા પંચાયતોમાં ૨૧૩, ૭ નગરપાલિકાના ૨૩૬ ઉમેદવારો સાથે અપેક્ષિત હોદ્દેદારોની સંખ્યા ૧ હજાર કરતા વધારે થવા જાય છે. તાલીમ શિબિરમાં માત્ર ૧૨૫ જેટલાં હોદ્દેદારો હાજર રહેતાં કોંગ્રેસની વિધાનસભાની ચૂંટણી અંગેની તૈયારીઓ કેવી છે તે હાજરી ઉપરથી સાબિત થાય છે.