— વીજતંત્રની વિજિલન્સ સ્ક્વોર્ડ એ પાડેલા દરોડામાં રૂપિયા સાડા નવ લાખની વીજચોરી પકડાઈ: હેવી ઇલેક્ટ્રિક મોટર અને કેબલ કબજે કરાયો
— ગેરકાયદે રીતે બેલા નું ખનન થતું હોવાથી વીજ તંત્ર દ્વારા તાત્કાલિક ખાણ ખનીજ વિભાગની ટીમને પણ સ્થળ પર બોલાવી લેવાઇ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ઝાલણસર ગામની સીમમાં એક સ્થાનિક શખ્સ દ્વારા સરકારી જગ્યામાં ગેરકાયદે રીતે ચકરડી ગોઠવીને ખનીજ ચોરી કરવામાં આવી રહી છે, અને તેના માટે વીજ તંત્રના ટ્રાન્સફોર્મર માંથી ગેરકાયદે લંગરીયું નાખીને મોટાપાયે પાવર ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે વીજતંત્રની વિજિલન્સ ટુકડીએ ઓચિંતો દરોડો પાડી મોટા પાયે આચરવામાં આવતી વીજચોરી પકડી પાડવામાં આવી છે. અને ત્રણ હેવી ઇલેક્ટ્રિક મોટર તથા વાયર સહિતની સામગ્રી કબજે કરી લઈ આસામીને રૂપિયા સાડા નવ લાખની વીજચોરી નું પુરવણી બિલ આપવામાં આવ્યું છે. સાથોસાથ ખનીજ ચોરી થતી હોવાથી ખાણ ખનીજ વિભાગ ને પણ જાણ કરવામાં આવી છે.
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના જાલણસર ગામની સીમમાં ચાલતી પત્થરની ખાણમાં ગેરકાયદેસર રીતે લંગરીયા નાખી પાવર ચોરી કરવામાં આવી રહી છે તેવી ચોક્કસ માહિતીના આધારે જામનગર ના વિજ તંત્રના રૂરલ આઈ.સી.સ્કવોડના એસ.આર.વડનગરા, ડેપ્યુટી ઈજનેર કોરિયા, જુનીયર ઈજનેર મનાત, જી.યુ.વિ.એન.એલ. પોલીસ મથક જામનગરના જી.આર.મકવાણા, રણજીતસિંગ લુબનાએ ઓચિંતો દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન કાલાવડ તાલુકાના જાલણસર ગામે પત્થર (સફેદ બેલા)ની ખાણમાં ૨૦૦ મીટર લાંબો કેબલ પાથરી ને ટ્રાન્સફોર્મરથી લંગરિયા નાખી ગેરકાયદેસર વીજપ્રવાહ લેવામાં આવી રહ્યો હતો. જે ફલિત થતાં વીજતંત્ર દ્વારા સ્થળ ઉપરથી ૨૦ કિલો વોટ વાળી ત્રણ નંગ હેવી ઇલેક્ટ્રિક મોટર અને ૨૦૦ મીટર થ્રી ફેઝ કેબલ કબ્જે લીધેલા છે.
આ અંગે ગેરકાયદે વીજચોરી કરનારા ઝાલણસર ગામના દિગ્વિજયસિંહ ઘેલુભા જાડેજા સામે જામનગરના વીજ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે, અને તેને ૯,૪૮,૪૮૪ નું પાવર ચોરીનું વીજબિલ ફટકારવામાં આવ્યું છે. ઉપરાંત ૧,૨૪,૦૦૦ નો કમ્પાઉન્ડ ચાર્જ ચુકવવા મેમો આપ્યો છે.
ઉપરોકત સ્થળે સરકારી જગ્યામાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદે રીતે ખનીજ ચોરી થતી હોવાનું અને મોટાપાયે પથ્થરના બેલા કાઢીને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી વિજ તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી ખાણ ખનીજ વિભાગ ને જાણ કરીને તેઓને પણ સ્થળ પર બોલાવી લેવાયા છે. જેના દ્વારા પણ અલગથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(ન્યુઝ એજન્સી)