ધાખા અને અનાપુરના માર્ગ પર તંત્રની તપાસને પગલે ડમ્પર ચાલકોએ બાપલાનો માર્ગ પકડ્યો.

ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં કેટલાક સ્થળે ખનીજ ચોરીનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. જેમાં ધાનેરા તાલુકાના ધાખા અને અનાપુરના માર્ગ પરથી પસાર થતા ડમ્પર ચાલકોએ તંત્રની તપાસને પગલે રસ્તો બદલી દઈ હાલમાં ડમ્પર ચાલકો બાપાના રસ્તા પરથી પસાર થઇ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે બનાસ નદીમાંથી ખનીજ ચોરીનો પર્દાફાશ થયા બાદ ફરીથી ઢીલી નીતિ અપનાવાતા ડમ્પર ચાલકો બેફામ બન્યા છે.

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાંથી રેતી ચોરીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. તે બાબતે ધાનેરાના જાગૃત નાગરિક દ્વારા થાવર આર.ટી.ઓ ચેકપોસ્ટ પર લેખિત રજૂઆત કરાતા અને સમગ્ર ઘટના મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસ હાથ ધરી હતી. જેમાં ધાનેરા પાસેથી તંત્રએ નવ જેટલા ડમ્પરો ઝડપી લઇ થોડાક સમય અગાઉ રૂ.૨૦ લાખ જેટલો દંડ ફટકાર્યો હતો. જેને પગલે ખનીજ ચોરી કરતા ખનીજ ચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જો કે આ બાબતને થોડોક સમય વિતતા ફરીથી તંત્ર દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવતા હાલમાં ધાનેરા પંથકમાં ખનીજ ચોરો બેફામ બન્યા છે. અને ધાનેરા તાલુકામાં ચોર રસ્તેથી ખનીજ ચોરીનું કૌભાંડ ફરીથી શરૂ થઇ જવા પામ્યુ છે. ખનીજ ચોરીના આ કૌભાંડમાં ડમ્પર ચાલકો અગાઉ ધાનેરા તાલુકાના ધાખા અને અનાપુરના માર્ગ પરથી પસાર થતા હતા. જો કે અહીં થાવર આર.ટી.ઓ દ્વારા તપાસ હાથ ધરાયા બાદ હવે ડમ્પર ચાલકો વિઠોદર અને ખીમત થઈ બાપલા વાળા રસ્તેથી નીકળી ખનીજ ચોરી કરી રહ્યા હોવાનું ચર્ચામાં આવ્યું છે. ત્યારે જિલ્લાના ખાણ ખનિજ વિભાગ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે તો ખનીજ ચોરીનું મોટું કૌભાંડ ધાનેરા પંથકમાંથી પણ ઝડપાય તેવી સંભાવના વર્તાઇ રહી છે. ત્યારે શું આ બાબતે જિલ્લાના ખાણ ખનિજ વિભાગ દ્વારા પગલા ભરવામાં આવશે કે કેમ તેવા સવાલો ઉઠ્યા છે.