ગુજરાત સરકારે પ્રાઈવેટ એજન્સીઓ નીયુક્ત કરી 265 કરોડ રૂપીયાના ખર્ચી જમીન માપણી કરાવી હતી. જેમાં દરેક જીલ્લામાં હજારોની સંખ્યામાં રીસર્વેની કામગીરી વિરૂધ્ધ વાંધા અરજીઓ આવતા, પ્રાઈવેટ એજન્સીઓ દ્વારા કરેલી જમીન માપણીને રદ કરવાની માંગ ઉઠી હતી. પરંતુ સરકારે માપણીને રદ કરવાના બદલે એમા એક એક ખેડુતની વાંધા અરજીઓ સ્વીકારી એને સુધારવાનો નિર્ણય લીધો હતો. પરંતુ એ કામગીરી પણ બીબાઢાળ વગરની હોવાથી ખેડુતોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં ખેડુતોએ આરોપ લગાવ્યા હતા કે આ એજન્સીઓએ બીલકુલ ખરાબ કામગીરી કરી હોવા છતા પણ એમને 100 ટકા પૈસા ચુકવી દેવામાં આવ્યા છે.
કમીટી હજુ સુધી શુ કરી રહી છે?
વર્ષ 2018 ના ઓગસ્ટ માસમાં રાજ્યભરમાં આ ખોટી જમીન માપણીને કારણે અનેક રજુઆતો થતા અને ખેડુતોનુ દબાણ ઉભુ થતા રાજ્યના કેબીનેટ મીનીસ્ટર નીતીન પટેલે આ માપણી ખોટી થઈ છે એવુ સ્વીકાર કરતા મીડીયામાં ઘોષણા કરી હતી કે આવી એજન્સીઓનુ પેમેન્ટ રોકી દેવાયુ છે, અને એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે કે એમની એ ઘોષણામાં તથ્ય નથી કારણ કે રીસર્વેની કામગીરી કરનાર એજન્સીઓનુ કોઈ પણ પેમેન્ટ રોકવામાં નથી આવ્યુ, દરેક એજન્સીઓને પૈસા ચુકવી દેવાયા છે, તથા આવી કામગીરી કરનાર અને એને એપ્રુવલ આપનારા ઉચ્ચ અધિકારીઓ વિરૂધ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.
આ પણ વાંચો – જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !!
2018 માં રીસર્વેની કામગીરી કરનાર એજન્સીઓની તપાસ માટે 4 મંત્રીની કમીટી રચાઈ હતી. જેમા નીતીન પટેલ, ભુપેન્દ્રસીંહ ચુડાસમાં, કૌશીક પટેલ અને સૌરભ પટેલ સભ્યો હતા. પરંતુ હજુ સુધી એ કમીટી દ્વારા જવાબદારો વિરૂધ્ધ કોઈ પગલા ભરવામાં નથી આવ્યા. ખેડુતોની મુશ્કેલી હજુ પણ યથાવત હોવાથી ગરવી તાકાત દ્વારા રીપોર્ટ પ્રકાશીત કરતા મહેસાણા જીલ્લા સહીતના તમામ જીલ્લાની રીસર્વે ની કામગીરીનો મુદ્દો ઉઠાવતા તંત્ર સવાળે જાગ્યુ હતુ અને ઉપરા છાપરી બે બે બેઠકો યોજી હતી. જેમાં 29 સપ્ટેમ્બર 2020 ના રોજ મહેસાણા જીલ્લા કલેક્ટર દ્વારા ખેડુતોની વાંધા અરજીના નિકાલ કરવા અંગે ઝડપી કાર્યવાહીની સુચન કર્યુ હતુ જેમાં વધુમાં જણાવાયુ હતુ કે અત્યાર સુધી મહેસાણા જીલ્લામાં કુલ 16699 અરજીઓનો નીકાલ થઈ ચુક્યો છે અને બાકીની અરજીઓ 31 ડીસેમ્બર 2020 સુધી નીકાલ કરી દેવામાં આવશે. આ બેઠકમાં અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, સંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ,રાજ્યસભા સંસદ સભ્યશ્રી જુગલસિંહ લોખંડવાલા,ધારાસભ્ય સર્વેશ્રી રમણભાઇ પટેલ, ભરતસિંહ ઠાકોર,અજમલજી ઠાકોર,,સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રિકરણ અધિકારી મહેસાણા કે.એમ.વસાવા, જિલ્લા નિરીક્ષક જમીન દફતર એચ.એસ.રબારી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવા અભિગમના નામે મુર્ખ બનાવવાની કોશીષ
પરંતુ ત્યાર બાદ પણ ગરવી તાકાતને સરકારના પ્રતીનીધીઓનુ વલણ યોગ્ય ના લાગતા તથા આ બેઠકમાં પ્રાઈવેટ એજન્સી તથા અધિકારીઓ જે આ બધી વાંધા અરજીઓ માટે ગુનેગાર છે, એમનો ઉલ્લેખ જ ના કરાતા અમારા દ્વારા આ સમીક્ષા બેઠકને સંબધીત બીજો એહવાલ પ્રકાશીત કરતા ડી.આઈ.એલ.આર. ની કચેરીએ (જમીન માપણી) તારીખ 01 ઓક્ટોમ્બર 2020 ના રોજ પ્રેસ નોટ રીલીઝ કરી હતી. જેમાં તેઓની કચેરી દ્વારા ખેડુતોની વાંધા અરજીઓ અંગે નવા અભિગમની વાત કરી હતી પરંતુ આ નવા અભિગમમાં કોઈ નવો અભિગમ માલુમ નથી પડી રહ્યો. કેમ કે મહેસાણા ડી.આઈ.એલ.આર. કચેરી દ્વારા જણાવાયુ હતુ કે ખેડુતોની રજુઆત હવે ફોન અને ઈ-મેઈલ ઉપર પણ કરી વાંધા અરજી અંગે જાણકારી આપવામાં આવશે, તથા કચેરી ખાતે આવેલી અરજીઓનો નીકાલ ક્રમાનુસાર કરવાની વાત એમના દ્વારા કરાઈ હતી. પરંતુ પહેલા પણ અરજદાર પોતાની રજુઆત સંબધીત કચેરીને ફોનથી જણાવી શકતો હતો આવુ કરવા અરજદારને કોઈ પણ કાનુન-કાયદો રોકી ન હતો શકતો. અરજીઓનો નીકાલ ક્રમાનુસાર કરવાનો નિયમ પણ પહેલાથી જ લાગુ છે આવી જાહેરાત કરી ડી.આઈ.એલ.આર. કચેરીનો (જમીન માપણી) નવો અભિગમ કયો એના ઉપર પ્રશ્નો થઈ રહ્યા છે.
આંકડાઓની માયાજાળ ફેલાવી સામાન્ય લોકોને ભ્રમીત કરાવાની કોશીષ
1 ઓક્ટોમ્બર 2020 ના રોજ ફરીથી ડી.આઈ.એલ.આર. કચેરી (જમીન માપણી) દ્વારા અરજીઓના નીકાલ અંગેની માહીતી દરેક મીડીયાને પુરી પાડવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે અત્યાર સુધી 51593 માથી 20187 અરજીઓનો નીકાલ થઈ ચુક્યો છે જેમાં પણ વિરોધાભાસ સામે આવ્યો હતો. કેમ કે 29 સપ્ટેમ્બર ની સમીક્ષા બેઠકમાં જણાવાયુ હતુ કે કુલ 16699 અરજીઓનો નીકાલ થયો છે. તો માત્ર એક દિવસ બાદ નીકાલની સંખ્યામાં 3488 અચાનક કેવી રીતે વધારો થઈ ગયો ? આ પ્રશ્ન પણ કોઈ મીડીયા અથવા વિપક્ષ દ્વારા પુછાયો નથી. મહેસાણા ડી.આઈ.એલ.આર.કચેરી દ્વારા વર્ષ 2014 થી લઈ 29 સપ્ટેમ્બર 2020 સુધી માત્ર 16699 અરજીઓ નીકાલ થયો હતો, તો માત્ર 1 દિવસમાં આ સંખ્યા વધીને 20187 કેવી રીતે પહોચી ગઈ? આ બધા ઉપરથી માલુમ પડી રહ્યુ છે કે કલેક્ટર અને ડી.આઈ.એલ.આર. કચેરી(જમીન માપણી) મારફતે સરકાર આંકડાઓની માયાજાળ ફેલાવી ખેડુતોની અને જનતાની આંખમાં ધુળ નાખવાનો પ્રયત્ન કરી રહી છે તથા પ્રાઈવેટ એજન્સીઓ જે ખોટી ખોટી માપણી કરી રફુ ચક્કર થઈ ગયેલ છે એમને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
પ્રાઈવેટ એજન્સીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં સરકાર કેમ ડરી રહી છે? જો એજન્સીઓ વિરૂધ્ધ કોઈ કાર્યવાહી થાય તો મહેસુલ વિભાગના અધિકારી અને નેતાઓના નામ પણ બહાર આવી શકે છે? એવી ચર્ચાઓ થઈ રહી છે.