મહેસાણા જિલ્લામાં શહેરી સહિત વિસ્તારોમાં જાહેર જગ્યાઓએ આવેલ વિવિધ બેંકોના એટીએમ સેન્ટરોમાં સેનેટાઈઝરના અભાવે કોરોનાની ગાઈડલાઈનની સરેઆમ અવગણના થઈ રહી છે. કોરોનાકાળમાં લોકો નાણાંની લેવડ-દેવડ કરવા વધુ પડતાં એટીએમ સેન્ટરોની જતાં હોય છે. જિલ્લામાં દરરોજ હજારોની સંખ્યામાં વિવિધ બેન્કોના ગ્રાહકો નાણાં ઉપાડવા એટીએમ મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. એટીએમ મશીનનો એક કરતાં વધુ ઉપયોગ થવાથી લોકોને કોરોનાનો ભય સતાવી રહ્યો છે. તમામ બેન્કોને એટીએમ સેન્ટરો પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની સૂચના આપી હોવા છતાં મોટાભાગના એટીએમ સેન્ટરો સેનેટાઈઝરના અભાવે સેંકડો લોકોને કોરોનાના જોખમમાં મુકી રહ્યા છે.
જિલ્લામાં કોરોનાને નિયંત્રણ લાવવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક વર્ષથી સમયાંતરે ચૂસ્ત નિયમો અને ગાઈડલાઈન જાહેર કરી છે. વૈશ્વિક મહામારી કોરોના માટે ઘડવામાં આવેલ નિયમો અને ધારાધોરણના ભંગ બદલ દંડાત્મક અને શિક્ષાત્મક સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જાહેર સ્થળોએ અન્ય લોકોને બેદરકારી રાખી કોરોનાનું ચેપ લગાવનાર સજાને પાત્ર બને છે. આ મામલે રાજ્યકક્ષાએથી કોરોનાની ગાઈડલાઈનનું ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા પોલીસ વિભાગને પણ આદેશ આપવામાં આવ્યા છે. પરિણામે, કોરોના મહામારીને નિયંત્રણ માટેના ઘડાયેલ ધારાધોરણનો ભંગ કરનાર સેંકડો લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
નોંધપાત્ર બાબત એ છે કે, જિલ્લામાં કોરોનાની બીજી લહેરનો કપરોકાળ હજુ શમ્યો નથી પરિણામે, આંશિક લોકડાઉન હજુ યથાવત રાખવામાં આવ્યો છે. બીજી તરફ મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં લોકો નાણાંની લેવડ-દેવડ માટે બેન્કોમાં રૂબરૂ જવાની જગ્યાએ એટીએમનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. જાહેર સ્થળોએ મોટાભાગના કાર્યરત વિવિધ બેન્કોના એટીએમ સેન્ટરોમાં સેનેટાઈઝરની વ્યવસ્થા જોવા મળતી નથી. પરિણામે, એટીએમમાં દરરોજ સેંકડોની સંખ્યામાં આવતાં લોકોને કોરોનાનો ચેપ લાગવાની સંભાવના પ્રબળ બની રહી છે. આ મામલે જિલ્લાકક્ષાએથી તમામ બેન્કોના વહિવટકર્તા અધિકારીઓને આદેશ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.