હવે સૌરાષ્ટ્ર સહિત રાજયના ચાર ઝોનમાં ક્ષત્રિય મહાસંમેલન યોજવાની તૈયારી
રાજકોટમાંથી પ્રારંભ થયેલી ક્ષત્રિય સમાજની લડાઇ રાજયભરમાં વેગ પકડી રહી છે
ગરવી તાકાત, રાજકોટ તા. 26 – લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં હવે પ્રચારની ગરમી વધી રહી છે અને ખાસ કરીને ક્ષત્રિય આંદોલનમાં જે રીતે ભાજપ તાપ સહન કરી રહ્યો છે તેમાં આગામી દિવસોમાં આ આંદોલનનો પ્રભાવ વધે તેવી શકયતા પણ નકારાતી નથી હાલ ક્ષત્રિય સમુદાય દ્વારા ભાજપના કાર્યક્રમોમાં વિરોધ ઉપરાંત દરેક વિસ્તારમાં ક્ષત્રિય બહેનોના સામુહિક ઉપવાસ અને ધર્મરથ ફરી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં હવે ભાજપ વિરૂધ્ધ માહોલ ઉભો કરવા ક્ષત્રિય સમુદાય રાજયમાં 3 થી 4 મહાસંમેલનો યોજવાની જાહેરાત કરતા જ આ લડાઇ નવા તબકકામાં પ્રવેશ કરશે તેવા સંકેત છે.
ક્ષત્રિય આંદોલનની સંકલન સમિતિ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં કરણસિંહ ચાવડા, પી.ટી.જાડેજા, રમજુભા જાડેજા સહિતના અગ્રણીઓએ ચાર મહાસંમેલન યોજવાની જાહેરાત કરતા કહ્યું કે, અમે સૌરાષ્ટ્ર-મધ્ય-ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંમેલન યોજવા જઇ રહ્યા છીએ આંદોલનના પ્રારંભે રાજકોટમાં મહા ક્ષત્રિય સંમેલન યોજાયુ તે પછી ભાજપે ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા ઝડપી બનાવી હતી પરંતુ તેનાથી આંદોલનને કોઇ બ્રેક લાગી હોય તેવા કોઇ સંકેત નથી.
ક્ષત્રિય સમાજ દ્વારા તાલુકા અને વોર્ડ દીઠ બેઠકો યોજવામાં આવે છે તેમજ ધર્મરથ પણ ફરી રહ્યા છે અને હવે ચાર મહાસંમેલનો યોજીને ક્ષત્રિય સમુદાય દરેક વિસ્તારમાં તેમની લડાઇને આગળ વધારશે.તા. 27 એપ્રિલના ઉતર ગુજરાતનું સંમેલન મહેસાણાના વિસનગરમાં યોજાશે. 28ના સાંજે દક્ષિણ ગુજરાતનું સંમેલન બારડોલીમાં યોજાશે. તા. 2ના રોજ જામનગરમાં જે સંમેલન યોજાવાનું હતું તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરની સભા નિશ્ચિત થતા તા. 3ના રોજ જામનગરમાં આ સંમેલન યોજાશે.
આ પૂર્વે તા. 1ના રોજ મધ્ય ગુજરાતનું મહાસંમેલન આણંદમાં યોજાશે અને બાદમાં તા.2 થી 6 સુધી ક્ષત્રિય સમાજ રાજકોટ ઉપર ફોકસ કરશે અને ખાસ કરીને પરસોતમ રૂપાલા વિરૂધ્ધ મતદાન માટે ક્ષત્રિયોની ફૌજ ઉતારવાની યોજના હોવાનું કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું.