વાળીનાથ ધામનું માલધારી સમાજમાં વિશેષ મહત્વ કેમ આપવામાં આવે છે જાણો ઇતિહાસ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતના બીજા ક્રમના આશરે 500 કિલોગ્રામથી પણ વધારે વજનના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે

તરભમાં લોકોના આસ્થાનું પ્રતીક સમા શ્રી વાળીનાથ અખાડો આવેલો છે, જેનો ઇતિહાસ અતિ પ્રાચીન છે

ગરવી તાકાત, મહેસાણા તા. 20 – મહેસાણાના તરભ ખાતે આવેલ શિવધામ તીર્થધામ અખાડામાં ભવ્ય શિવમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે અને ગુજરાતના બીજા ક્રમના આશરે 500 કિલોગ્રામથી પણ વધારે વજનના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે આ શિવધામ તીર્થભૂમિનો શું છે ઈતિહાસ જાણીએ.

મહેસાણાના વિસનગર તાલુકાના ગામ તરભમાં લોકોના આસ્થાનું પ્રતીક સમા શ્રી વાળીનાથ અખાડો આવેલો છે, જેનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. આજથી લગભગ 900 વર્ષ પહેલાં હાલની જગ્યા ઉપર વિરમગીરીજી બાપુનું આગમન થયેલું. પૂજ્ય શ્રી વિરમગીરીજી બાપુ મૂળ રબારી જ્ઞાતિના હતા. તેઓ ઉત્તર ગુજરાતમાં લોકોમાં પરસ્પર પ્રેમ ભક્તિ અને ધાર્મિક શ્રધ્ધા જાગૃત કરી રહ્યા હતા.

જેમના નામ ઉપરથી ગામનું નામ તરભ પડ્યું. ભક્તરાજ તરભોવન રબારીના આગ્રહને વશ થઈને વિરમગીરિજી બાપુ હાલના વાળીનાથ ધામ ખાતે પધાર્યા હતા. વિરામગીરીજી બાપુને સ્વપ્નમાં જમીનમાં દટાયેલી ભગવાન વાળીનાથની મૂર્તિ અને ધૂણીના દર્શન થયા હતા. બાપુએ જમીનમાં દટાયેલી મૂર્તિ બહાર કાઢી ધામધૂમથી તેની પ્રતિષ્ઠા કરી. તેમજ ત્યાં આવેલા રાયણના વૃક્ષ નીચે ચીપિયાથી ધરતી ખોદીને અખંડ ધુણી પ્રગટાવી હતી. ત્યારથી આજ સુધી અહી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડે છે.

અહી દરેક સમાજના લોકો આસ્થાથી આવે છે. પરંતુ મોટી સંખ્યામાં માલધારી સમાજ અહી દર્શન માટે આવે છે. માલધારી સમાજ તેમની ગુરૂગાદી માને છે. મંદિરનું નિર્માણ થયું ત્યારથી માલધારી સમાજના લોકો સેવક તરીકે અહીં સેવા આપી રહ્યાં છે. તેમજ પૂજ્ય વીરમગીરીજી માલધારી સમાજના આગ્રહથી પધરામણી કરી હોવાથી માલધારી સમાજ વિશેષ આસ્થા ધરાવે છે. આ ઉપરાંત માલધારી સમાજ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો હોવાથી તેમના પાળેલા ગાયો અને ભેંસોમાં કોઈ બીમારી આવે તો તેઓ વાળીનાથ અખાડામાં આવેલ સિધ્ધ ધૂણીમાં ટોકરી મંતરાવીને લઈ જતા. જેથી તેમના પ્રાણીઓનો રોગ મટી જતો હોવાનું ભક્તો જણાવે છે. તેથી પણ તેઓ ખૂબ આસ્થા ધરાવે છે. કેટલાય ભક્તો ટોકરી મંતરાવવા આવતા હોય છે.

વાળીનાથ નામ કેવી રીતે પડયું
દંતકથા મુજબ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રચતા ત્યારે ભગવાન શિવ ગોપીના સ્વરૂપમાં રાસલીલામાં ગયા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શિવજીને તેમના નાક કે કાનમાં પહેરેલ વાળીના લીધે તેમના સ્વરૂપને ઓળખી લીધા હતા. ત્યારે ભગવાન શિવનું નામ વાળીનાથ તરીકે ઓળખાયું.

માલધારી સમાજની વિશેષ આસ્થા વાળીનાથ ધામમાં કેમ ??
વાળીનાથ ધામની સ્થાપના બાદ મોટી સંખ્યામાં માલધારીઓ ગુરુની સેવા પૂજન કરી વિશેષ આસ્થા ધરાવે છે. વર્ષો પહેલા માલધારી સમાજમાં જ્યારે શિક્ષણનું પ્રમાણ નહિવત હતું ત્યારે શ્રી બળદેવગિરીજી દ્વારા પુસ્તક પરબ શરૂ કરાવી હતી. રબારી સમાજના યુવાનોને  શિક્ષિત કરવાનું કાર્ય કર્યું અને કન્યા અને કુમાર છાત્રાલય શરૂ કર્યા હતા. ગુજરાતમાં અતિ ભવ્ય બીજા ક્રમમાં જેની ગણના થઈ રહી છે તેવા વાળીનાથ મહાદેવ મંદિર ની 16 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. જેમાં આશરે 30 લાખ જેટલા લોકો ભગવાનના ધામમાં દર્શનાર્થે આવશે તેવું અનુમાન છે. જેમની સેવા માટે 30 હજાર કરતાં વધારે સ્વયં સેવકો ખડેપગે રહેશે.લોકોમાં એક અતૂટ આસ્થા વાળીનાથ ધામ પ્રત્યે રહેલી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.