ધારાસભ્ય કરશન સોલંકીની રજૂઆત બાદ કડી અને નંદાસણ પોલીસતંત્ર હરકતામાં આવી ગયું
કડી અને નંદાસણમાં પોલીસે અલગ અલગ જગ્યા પર રેડ કરી 94 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો
ગરવી તાકાત, મહેસાણા તા. 22 – કડીના ધારાસભ્ય કરશન કાકાએ તો ભારે કરી ગત રોજ કડીના ધારાસભ્ય વિફર્યા હતા અને કડી તથા નંદાસણ પોલીસનો ઉધડો લઇ પંથકમાં ચાલતી દારૂની હાટડીઓ બંધ કરવા તેમજ જુગાર જેવી પ્રવૃતિ સહિત ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓને ડામી દેવા કડી નંદાસણ પોલીસને ચેલેન્જ આપી હતી. જેનો પડઘો આજ રોજ પડ્યો હતો. અને કડી તથા નંદાસણ પોલીસ દારૂની હાટડીઓ ઉપર ત્રાટકતાં કડી તેમજ નંદાસણ પોલીસે રેડ કરીને 94 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ ત્રણ જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ કરસન સોલંકી મહેસાણા એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને મહેસાણા એસપી અને મુખ્યમંત્રીને ગેરકાયદેસર ધંધા બંધ કરાવવા માટે રજૂઆત કરતા સમગ્ર મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં હડકમ મચી જવા પામ્યો હતો.
કડી ભાજપના ધારાસભ્ય દ્વારા દારૂબંધી સામે સવાલ ઉભા કરાતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. કડી તાલુકાના લક્ષ્મીપુરા આદુંદરા રોડ ઉપર દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી દેશી દારૂ જપ્ત કર્યો હતો. બલાસર ગામે આવેલ ફુલબાઈ માતાજીના પરા રેડ કરી 8 લીટર દારૂ જપ્ત કર્યો હતો. એકી સાથે ત્રણ બુટલેગરોને ત્યાં રેડ કરવામાં આવી હતી. જ્યારે કડી પોલીસની એક ટીમ વિડજ ગામે રેડ કરીને 12 લિટર દારૂ કર્યો હતો. વિડજ ગામના ઠાકોરવાસમાં પોલીસે રેડ કરી 17 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો.
કડી તાલુકાના નંદાસણ પોલીસે ઇરાણા ગામે હુડકા નામના વિસ્તારમાં રેડ કરીને 8 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. રાજપુર ગામે રેડ કરી અડ્ડા ઉપરથી 12 લિટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે રાજપુર ગામના ઠાકોરવાસમાં રેડ કરીને 6 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. નંદાસણ પોલીસે માથાસુર રોડ ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગેરકાયદેસર જુગાર રમતા હતા ત્યાં રેડ કરતા જુગારીઓમાં નાસમભાગ મચી જવા પામી હતી પોલીસે રેડ દરમિયાન ત્રણ જુગારીઓને રૂપિયા 4700નો મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.