પાંચ વર્ષથી લોકોને છેતરીને પૈસા પડાવતાં હતા઼ સૌપ્રથમવાર જૂનાગઢ પોલીસે આરોપીને ઝડપી લીધા

જૂનાગઢ: જૂનાગઢમાં વાઇફાઇ ટાવરની લાલચ આપી છેતરપિંડી કરતાં બે શખ્સો ઝડપાયા છે. ડોલફીન વાઇફાઇ ટાવર માટે જગ્યા આપી તેનું ભાડુ મળશે તેવી બાબતે ફોન કરીને પોતાના બેંકના ખાતામાં રૂપીયા મેળવતાં હતા. અત્યાર સુધીમાં આરોપીઓએ 67 જેટલા બેંક ખાતામાં 80 લાખ જેવી રકમ પડાવી લીધી છે. પાંચ વર્ષથી લોકોને છેતરીને પૈસા પડાવતાં હતા ત્યારે સૌ પ્રથમવાર જૂનાગઢ પોલીસના હાથે આ આરોપીઓ ઝડપાયા છે.

વાઇફાઇ ટાવર નાખવાની લાલચ આપી: એક વર્ષ અગાઉ જૂનાગઢમાં મોબાઇલ ફોન પર ડોલ્ફીન વાઇફાઇ ટાવર નાખવાની લાલચ આપીને પાંચ હજાર રૂપીયા જેવી રકમ પોતાના એકાઉન્ટમાં જમા કરાવી લીધા બાદ કોઇ જવાબ નહીં મળતાં છેતરપીંડી થયાની પોલીસ ફરીયાદ થઇ હતી. આ અંગે જૂનાગઢ પોલીસે મોબાઇલ કરનાર વ્યક્તિની તપાસ કરી અને જે બેંક એકાઉન્ટમાં રૂપીયા જમા કરવામાં આવ્યા હતા તેની પણ તપાસ કરતાં મોબાઇલ ફોન બંધ હતો અને તેનું સરનામું પણ ખોટું હતું જ્યારે બેંક ખાતાની તપાસ મુજબ આરોપી રવિન્દ્ર અર્જુનસિંહ ચૌહાણ જયપુર રાજસ્થાનનો હોય પોલીસે તેની અટકાયત કરી હતી.

છેલ્લા પાંચ વર્ષથી છેતરપિંડી આચરતા: આરોપી રવિન્દ્રની પૂછપરછ દરમિયાન માસ્ટર માઇન્ડ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ચૌધરીનું નામ પણ ખુલ્યું હતું અને પોલીસે બન્ને આરોપીને ઝડપી લીધા હતા.બન્ને આરોપી છેલ્લા પાંચ વર્ષથી ફોન પર વાઇફાઇ ટાવર નાખવાની વાતો કરી રૂપીયા પડાવતા હતા. અત્યાર સુધીમાં આરોપીઓએ પોતાના અલગ અલગ બેંકમાં 67 જેટલા ખાતાઓમાં 80 લાખ રૂપીયાની રકમ પડાવીને જમા કરાવી લીધી છે.