અગાઉ સંસ્થાની મદદથી કામગીરી હાથ ધરતા સરકારે એકાઉન્ટ ફ્રીઝ કરતા કામ અટક્યુ : મેવાણી
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પોતાના મત વિસ્તારમાં કોરોનાની મહામારીથી લોકોને બચાવી શકાય અને આગામી ત્રીજી લહેરને પહોચી વળાય તે માટે ઓક્સિજન પ્લાન્ટ નાંખવા માટે મથામણ કરી રહ્યા છે. ફાળો ઉઘરાવીને ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે કામગીરી હાથ ધરતાં મદદ કરનાર સંસ્થાનું એકાઉન્ટ સરકારે ફ્રિજ કરતાં આ કામગીરી થઈ શકી ન હોવાના આક્ષેપ ધારાસભ્ય મેવાણીએ કર્યા છે. જોકે લોકોના હિતમાં તેઓએ આજે ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે રૂ.1 કરોડ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવવાની જાહેરાત કરી છે પરંતુ હવે સરકાર ગ્રાન્ટ રિલીઝ કરશે કે કેમ તે જોવાનું રહ્યું.
સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસની મહામારીની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવતાં હાલમાં તેઓને યાદ કરીને ચોધાર આંસુએ રડી રહ્યાં છે. ત્યારે બીજી લહેર દરમિયાન સ્થિતિ એટલી ભયાવહ બની હતી કે લોકોને હોસ્પિટલની બહાર જ વેઇટિંગ કરવું પડતું હતું અને કેટલાંક લોકો તો સમયસર સારવાર અને બેડ ન મળવાથી મૃત્યુ પણ પામતા હતા. તેમાં ઓક્સિજનની પણ ભારે અછત સર્જાતાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે જહેમત શરૂ કરી છે. તેઓએ અગાઉ પણ પાલનપુરમાં જાહેર માર્ગ પર ડબ્બો લઈ પોતાના મત વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે ફાળો ઉઘરાવ્યો હતો. તેમાં એક સંસ્થાએ તેમને મદદ પણ કરી હતી. જો કે સરકાર દ્વારા આ સંસ્થાનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાતાં ઓક્સિજન પ્લાન્ટ નાખવાની કામગીરી પૂરી ન થઈ શકી હોવાનાં આક્ષેપ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા છે. જો કે હવે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા 1 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. સાથે સાથે હવે રાજ્ય સરકાર તેમની ગ્રાન્ટ રીલિઝ કરે અને ફરીથી ઓક્સિજન પ્લાન્ટની કામગીરીમાં કોઈ બાધા ઉભી ન કરે તેવી પણ સરકાર સમક્ષ માંગ કરી છે.