જામનગરઃ જામનગર નજીકના અલીયા ગામે વારસાઇ મકાનના ભાગ બાબતે એક જ પરિવાર વચ્ચે હથિયારો ઉલળતા સનસનાટી મચી જવા પામી છે. ભાઇ-ભત્રીજાઓએ અન્ય ભાઇ અને તેના પરિવાર પર હુમલો કરી એક ભાઇએ અન્ય ભાઇની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતા નાના એવા ગામમાં તંગદીલી પ્રસરી ગઇ છે. પંચકોશી એ ડીવીઝન પોલીસે અલીયા ગામ ત્યારબાદ હોસ્પિટલે દોડી જઇ તંગ સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. યુવાનને જીવલેણ તેમજ તેના પુત્ર અને પત્નીને પણ ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જામનગર તાલુકાના અલીયા ગામે ગઇકાલે સાંજે સાતેક વાગ્યાના સુમારે છગનભાઇ તેજાભાઇ પરમાર અને તેના પત્ની હીરીબેન તથા તેના પુત્ર દિનેશ પર તેના જ પરિવારના કિશન તેજાભાઇ પરમાર, જગ્દીશ કિશનભાઇ પરમાર અને દિપક કિશનભાઇ પરમારે કુહાડીથી હુમલો કર્યો હતો. જેમાં છગનભાઇને માથાના ભાગે કુહાડીનો એક ઘા વાગી જતાં તેઓ નીચે પડી ગયા હતા. જ્યારે વચ્ચે છોડાવવા પડેલા છગનભાઇના પત્ની હીરીબેન અને દિનેશને આરોપીઓએ ઢીકા-પાટુનો માર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. આ ઘટના બાદ ઘવાયેલા પિતા-પુત્ર અને પત્ની સહિતના ત્રણેય સભ્યોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પંચકોશી એ ડીવીઝન પોલીસને જાણ થતા તુરંત ઘટના સ્થળે દોડી જઇ તંગ સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે સારવાર લીધા બાદ છગનભાઇએ પોતાના જ સગાભાઇ અને ભત્રીજાઓ સામે આઇપીસી કલમ 307, 325, 323, 504, 114 અને જીપીએકટ મુજબ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ડી.પી. ચુડાસમા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. વારસાઇ મકાનના ભાગ બાબતે બન્ને ભાઇઓ વચ્ચે લાંબા સમયથી વિખવાદ ચાલતો હતો. આરોપી ભાઇ-ભત્રીજાઓ મકાનમાં ભાગ આપતા ન હોય અને મકાન પચાવી પાડવા મનફાવે તેમ વાણી-વિલાસ આચરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ ઘટનાએ નાના એવા અલીયા ગામમાં ભારે ચકચાર જગાવી છે.

Contribute Your Support by Sharing this News: