ગરવીતાકાત જામનગરઃ જામનગરમાં એક યુવાને ગત રાત્રે ખંભાલીયા ગેટ ચોકી સામે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસના ત્રાસથી કંટાળી આ પગલું ભરી રહ્યો હોવનું જણાવી યુવાને દવાની બોટલ ખોલી દવા પી રહ્યો હોય એવો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ યુવાનની હાલત ગંભીર ગણવામાં આવી રહી છે. 

ખંભાલીયા ગેટ બહાર રહેતા વિજય નાખવા નામના ભાનુશાળી યુવાને ગઈ કાલે રાત્રે ખંભાલીયા ગેટ પોલીસ ચોકી પહોચી, પોતાના હાથે જંતુનાશક દવાની બોટલ કાઢી ઘટાઘટ બે ઘૂંટ પી જઈ આપઘાત કરવાનો પ્રયાસ કરતા પોલીસ બેડામાં સનસનાટી સાથે દોડધામ મચી જવા પામી હતી. ઝેરી દવા પીતા પૂર્વે વિજયે પોતાના મોબાઈલમાં સોસીયલ મીડિયામાં લાઈવ થઈ આપઘાતના પ્રયાસનું લાઈવ કર્યું હતું. આપઘાત પ્રયાસ કરતા પૂર્વે પારિવારિક કંકાસને લઈને ખંભાલીયા ગેટ પોલીસના ત્રાસથી આપઘાત કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે અને પોતાના મોત પાછળ ખંભાલીયા ગેટપોલીસ જવાબદાર હોવાનું જણાવ્યું હતું.

આ ઘટના સમયે તેની સાથે રહેલા તેના ભાઈને પોલીસકર્મી લાફા વાળી કરતી જોવા મળી રહી છે. પોલીસની હાજરીને જોઇને યુવાને ફરીથી દવાની બોટલ ખોલી બે ત્રણ ઘુટ લગાવી જે તે સમયની પોલીસની દાદાગીરી લાઈવ રજુ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવતા ટોર્ચરીંગના કારણે પોતે આપઘાત કરતો હોવાનો યુવાને ઉલ્લેખ કર્યો છે. આ ઘટના બાદ તુરત યુવાનને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા વિજ્યના માતા સહિતનો પરિવાર હોસ્પિટલ દોડી ગયો હતો. પરિવારે હોસ્પિટલ પરિસરમાં આક્રંદ કરતા ગમગીની છવાઈ ગઈ હતી.

તબીબોએ યુવાનને તાત્કાલિક સારવાર આપી ભયમુક્ત કરવા પ્રયાસ કર્યા હતા. હાલ જીજી હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા યુવાનની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે. બીજી તરફ યુવાનને પરિવારજનોએ પોલીસના ત્રાસથી જ યુવાને આ પગલું ભર્યું હોવાથી તાત્કાલિક જવાબદારો સામે ગુનો નોંધવાની માંગણી કરવામાં આવી છે. આ બનાવના પગલે હોસ્પિટલ પરિસરમાં ભાનુશાળી સમાજના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે હોસ્પિટલ પહોચી પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Contribute Your Support by Sharing this News: