રાઈટ ટુ ઈન્ફર્મેશનના કાનુન બાબતે હાલમાં આવેલી જાણકારીઓથી કદાચ જ કોઈને આશ્ચર્ય થયું હશે. સરકારી તંત્રને લઈને સામાન્ય ધારણા છે કે રાજકીય નેતૃત્વનાં કડક પગલાંનો પણ તેઓ તોડ કાઢી જ લેતા હોય છે. રાઈટ ટુ ઈન્ફર્મેશન વિશેના અહેવાલો સાબિત કરી રહ્યા છે કે તંત્રએ લોકોને સશક્ત બનાવવા અને પ્રશાસનિક કાર્યોમાં પારદર્શિતા લાવનારા માહિતી અધિકાર કાયદાને હાંશિયામાં ધકેલવાનો રસ્તો કાઢી લીધો છે. એ જ કારણ છે કે ગત 30 જૂન સુધી માહિતી અધિકાર કાયદા સંબંધિત 2,55,602 કેસો પડતર જાેવા મળ્યા. આ કેસો એવા છે, જે ગંભીર છે અને જેમના વિશે માંગવામાં આવેલી માહિતીઓ કાં તો અધિકારીઓએ આપી નથી અથવા પછી ભળતી જ માહિતી આપી. પહેલી કે બીજી અપીલની નોબત ત્યારે આવે છે, જ્યારે કાં તો અધિકારીઓ દ્વારા માંગવામાં આવેલ માહિતી નથી આપવામાં આવતી, કે પછી બહાનું કાઢીને તેમને ટાળી દેવામાં આવે છે. દેશમાં અઢી લાખથી વધારે કેસોની સુનાવણીનું પડતર હોવું એ પણ સાબિત કરે છે કે જવાબદાર પ્રાધિકારી કઈ રીતે માહિતીના અધિકાર કાયદાને ઠેંગા પર રાખવા લાગ્યા છે. સતર્ક નાગરિક સંગઠન તરફથી માંગવામાં આવેલ જાણકારી અનુસાર, 30 જૂન સુધી સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં પડતર હતા, જેની સંખ્યા 74,240 છે. બીજા નંબરે ઉત્તર પ્રદેશ છે, જ્યાં 48,514 કેસો પડતર છે. કેન્દ્રીય માહિતી પંચનો નંબર ત્રીજાે છે, જ્યાં 36,788 કેસો પડતર છે.
માહિતી અધિકાર કાયદો લાગુ કરતી વખતે માનવામાં આવ્યું હતું કે તેનાથી પ્રશાસનિક વ્યવસ્થા પારદર્શી હશે. માહિતી અધિકારની માંગ 1989-90 માં શરૂ થઈ. આ સંબંધે પહેલી વાર 2002 માં કાયદો પસાર થયો. પરંતુ એ કાયદાને લાગુ ન કરી શકાયો. પછી નવો કાયદો બનાવવામાં આવ્યો અને તેને 2005 માં લાગુ કરવામાં આવ્યો. શરૂઆતમાં આ કાયદાની અસર જાેવા મળી, પરંતુ ધીમે ધીમે અધિકારીઓ જ તેનો તોડ કાઢવા લાગ્યા. માહિતી અધિકાર કાયદા અંતર્ગત જાણકારી માંગવા સામાન્ય વ્યક્તિ ત્યારે જ જાય છે, જ્યારે તેને કોઈ તંત્ર તરફથી ન્યાય નથી મળતો. એવા મામલે માહિતી હવે ગોળ ગોળ ફેરવીને આપવાનું ચલણ શરૂ થયું છે. માહિતી આપવા માટે જવાબદાર અધિકારી શરૂઆતમાં જ માહિતીના અધિકાર કાયદાની કેટલીય ધારાઓ અને પેટા ધારાઓનો હવાલો આપીને માહિતી માંગનારને હતોત્સાહિત કરે છે. છતાં પણ જાે તે વ્યક્તિ ફરીથી માહિતી માંગે તો તેને ફેરવીને સંદર્ભ વિહીન માહિતી આપી દેવાય છે કે પછી તેને ગુમરાહ કરવાની કોશિશ કરવામાં આવે છે. માહિતી પંચમાં પડતર કેસોની આ સંખ્યામાં મોટાભાગના કેસો એવા જ છે.
માહિતી પંચ સમક્ષ દાખલ થયેલ કેસોમાંથી 59 ટકા એવા છે, જેમાં માહિતી અધિકાર કાયદાની કલમ 20 નું ઉલ્લંઘન થયું છે, જેના માટે જવાબદાર અધિકારીઓ પર આર્થિક દંડ લાગે તેમ હતો. પરંતુ ફક્ત 4.9 ટકા કેસોમાં જ દંડ લગાવવામાં આવ્યો છે. જ્યારે આવી સ્થિતિ રહેશે તો માહિતી અધિકાર અંતર્ગત માહિતી આપવાની જેમના પર જવાદારી હશે, તેઓ વધુ ઠાગાઠૈયા કરશે. પારદર્શી શાસન અને વ્યવસ્થા વિના વિકાસને નીચલા સ્તર સુધી પહોંચાડવો આસાન નથી. તેથી લોકતાંત્રિક સમાજમાં માહિતી અધિકાર કાયદાની માંગ વધી. ભારતે પણ આ દિશામાં ડગ માંડ્યાં હતાં. પરંતુ તેને લાગુ કરવાને લઈને જે પ્રકારનું વલણ જાેવા મળે છે, તે લોકતાંત્રિક પરંપરાઓ માટે યોગ્ય નથી.
(એજન્સી)