ઉમરપાડા ખાતે મુખ્યમંત્રીના હસ્તે તાપી-કરજણ લિંક સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરાયુ હતુ. આ મામલે ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામના 58 વર્ષીય સરપંચ અને અગ્રણી ખેડુતશ્રી હરિસિંગભાઈ લાલસિંગભાઈ વસાવાએ જણાવ્યું કે, અમારો તાલુકો ડુંગરાળ વિસ્તારમાં આવેલો છે. ચોમાસામાં ખૂબ સારો વરસાદ વરસે છે, પરંતુ શિયાળાના અંતે તેમજ ઉનાળાના દિવસોમાં પાણીની ખૂબ તંગી રહે છે. આવી સ્થિતિમાં સિંચાઈની સગવડ તો એક સ્વપ્ન સમાન હતી. અમારા બાપ-દાદાઓના સપનાઓ આજે સાકાર થવા જઈ રહ્યાં છે. 53 માળ જેટલી ઊંચાઈએ પાણી લિફ્ટ કરીને અમારા ખેતરો સુધી પહોચશે, જે બદલ અનેરા આનંદની લાગણી હરિસિંગભાઈએ વ્યકત કરી હતી.
આ પણ વાંચો – સુરતમાં રાત્રીના 9 થી સવારે 6 વાગ્યા વચ્ચે બહાર નીકળવા પર પ્રતીબંધ
ઉમરપાડા તાલુકા બિજલવાડી ગામના ઈશ્વરભાઈ વસાવાએ જણાવ્યું કે, અમારા બાપ-દાદાઓનું એક સ્વપ્ન હતુ કે, અમારા ગામોમાં પણ સિંચાઈનું પાણી આવે જે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા આદિજાતિ મંત્રીગણપતભાઈ વસાવાના સફળ પ્રયાસોના કારણે શક્ય બનવા જઈ રહ્યું છે. અમો પરંપરાગત રીતે ચોમાસા આધારિત ખેતી કરીએ છીએ. પરંતુ પાણી આવશે ત્યારે અમે ત્રણથી ચાર ખેતીપાકો લઈ શકીશું. અમારા વિસ્તારના ગરીબ ખેડુતો હવે સમૃધ્ધ થશે. પાણી મળશે ત્યારે લીલો ઘાસચારો કરીને વધુ દુધાળા પશુઓથી દુધનું ઉત્પાદન કરી શકીશું તેમ ઈશ્વરભાઈએ ગર્વભેર જણાવ્યું હતું.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામના આદિવાસી ખેડુત ખાનસિંગભાઈ વસાવાએ જણાવ્યું કે, સિંચાઈ યોજનાથી અમારા વિસ્તારમાં રોજગારીની સાથે વિકાસના નવા દ્વાર ખુલશે. અમારા વિસ્તારમાં ટુંકી જમીનવાળા અને ગરીબ ખેડુતો વસવાટ કરે છે, જેની આજીવિકા માત્ર ખેતી પર નિર્ભર છે. સિંચાઈ યોજના સાકારિત થયા બાદ અમારા વિસ્તારના આદિજાતિના ખેડુતો વર્ષમાં ત્રણ પાક લઈને સમૃધ્ધ થશે. અમે સ્વપ્નમાં વિચાર્યું ન હતું કે, આ સિંચાઈ યોજનાનો લાભ અમારા જેવા અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિજાતિ ખેડુતોને મળશે. આજે અમારૂ સ્વપ્ન સાકાર થતુ નજરે પડી રહ્યું છે.