ગરવી તાકાત, પાલનપુર
નગરપાલિકાના સદસ્ય અમૃતભાઇ જોષી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી
પાલનપુર નગરપાલિકાના સદસ્ય અમૃતભાઈ જોષીએ કલેકટર બનાસકાંઠાને રજુઆત કરતા જણાવ્યું હતું કે કાર્યપાલક ઈજનેર ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ મહેસાણા દ્વારા છેલ્લાં ૫ માસ પહેલા કામ ચાલુ કરવામાં આવેલ હતુ. જેમાં રસ્તાની બન્ને બાજુ ખોદાણ કામ કરી કોન્ટ્રાક્ટરે કામ અધુરૂ મૂકી દીધેલ છે અને કામકાજ ઘણા લાંબા સમયથી બંધ છે. ખાડાઓમાં વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાયેલું પડ્યું રહે છે. પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ ઘણો વધી ગયો છે. આજુબાજુના દુકાનદાર વેપારીઓના આરોગ્યને પણ હાનિ પહોંચે છે તેમજ ધંધા રોજગાર ઉપર માઠી અસર પડે છે. તેમજ ઉપરોક્ત અમદાવાદ હાઈવે હોટલ ગજાનંદ પાસેથી તિરૂપતિ ઉમા શાંતિકુંજ ગુરૂ વિલા,રાજવી નવલ પાર્ક, રામજીનગર, રામદેવનગર, સંતોષીનગર, કૈલાશ નગર, સુભાષ નગર, લક્ષ્મીપુરા તેમજ અન્ય સોસાયટીઓના નાગરિકો માટે નો અવર જવર નો રસ્તો આ કામગીરી કરાવતાં તોડી નાખેલ છે તેથી પ્રજાજનોને અવર જવરમાં ખૂબ જ મુશ્કેલી પડે છે.
વધારે પ્રમાણમાં વરસાદ આવે તો રોડ ની આજુબાજુ રોડ લેવલે પાણી ભરાઈ જવાને કારણે અને રોડની સપાટી પર વરસાદી પાણી ભરાઈ રહેતું હોવાથી ભારે અકસ્માત અને માનવ જાનહાનિ થવાનો પણ ભય છે. આ બાબતે કાર્યપાલક ઇજનેરશ્રી મહેસાણા તેમજ કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન લિમિટેડને પણ આ કામ તાત્કાલિક ચાલુ કરાવીને પૂર્ણ કરાવવા માટે લેખિત રજૂઆતો કરેલ છે તેમજ આજુબાજુના વેપારીઓએ પણ મૌખિક રજુઆત કરેલ છે પરંતુ હજુ સુધી કામગીરી ચાલુ કરવામાં આવેલ નથી.
આ પણ વાંચો – અમીરગઢ બોર્ડર પર ચેકિંગ દરમિયાન 4 રિવોલ્વર સાથે 4 શખ્સો ઝડપાયા
આમ કલેકટર આ બાબતે તાત્કાલિક (૧) કાર્યપાલક ઇજનેર શ્રી ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ મહેસાણા (૨) મુખ્ય અધિકારી પાલનપુર નગરપાલિકા (૩) કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને મીટીંગ બોલાવી રોડ બાબતે એમના ખાતાઓ દ્વારા આ રોડ બનાવવામાં અડચણરૂપ કોઈ પ્રશ્નો હોય તો તાત્કાલિક નિરાકરણ લાવી ત્રણેય ડિપાર્ટમેન્ટ એકબીજાને મદદરૂપ થઈ ઝડપથી આ પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી માંગ કરી છે.
અહેવાલ : જયંતિ મેતિયા