મહેસાણા નગરપાલીકા સોસાયટીનો કોમન પ્લોટ હડપ કરી ગયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સોસાયટીના રહીશોને નાના-મોટા પ્રસંગો તથા વાહનો પાર્ક કરવામાં તકલીફો પડતી હોવાથી રજુઆતો પણ કરાઈ હતી. તેમ છતાં પાલીકાએ સોસાયટીના રહીશોની રજુઆતને ધ્યાને લેવાને બદલે ચારે બાજુ વરંડો બનાવી દીધો છે. જેથી સોસાયટીના રહીશોએ પાલીકાને લેખીતમાં રજુઆત કરી હતી પરંતુ આજદિન સુધી આ મામલે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી.
વાઈડ એંગલની બાજુમાં આવેલ મીરામ્બીકા સોસાયટીનો કોમનપ્લોટ ગેરકાયદેસર રીતે કબ્જો કરી લીધો છે. જેથી સોસાયટીના રહીશોએ પાલીકાના દબાણને દુર કરવા 12-10-2021 ના રોજ અરજી આપી હતી. પરંતુ આ અરજી ઉપર આજદિન સુધી કોઈ જવાબ કે કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી.
પાલીકાના હદ વિસ્તારમાં અનેક ગેરકાનુની કોમ્પ્લેક્ષો બનાવી દેવામાં આવ્યા છે. જેમાં માર્જીનવાળી જમીન પર કબ્જાનો પણ સમાવેશ થાય છે. આ મામલે અનેક રજુઆતો પણ પાલીકામાં કરવામાં આવી છે. પરંતુ આ ગોરખધંધો પાલીકાની સહમતીથી ચાલતો હોય તેમ કોઈ જ કાર્યવાહી હાથ ધરાતી નથી. તો બીજી તરફ નગરપાલીકા ઉપર ગેરકાનુની બાંધકામો દુર કરવાની જગ્યાએ વાઈડ એંગલની બાજુમાં આવેલ મીરામ્બીકા સોસાયટીનો કોમન પ્લોટ પચાવી પાડ્યાનો આરોપ લાગ્યો છે.
આ દબાણની વિગત એવી છે કે, મીરામ્બીકા સોસાયટીનો વિસ્તાર જ્યારે નાગલપુર ગ્રામપંચાયતમાં હતો તે દરમ્યાન આ કોમન પ્લોટ પર પાણીની ટાંકી બનાવવા પંચાયતને સોસાયટીના રહીશોએ મૌખીક સમંતી આપી હતી. બાદમા આ વિસ્તાર નગરપાલીકામાં સમાવેશ થતાં પાલીકએ જુની ટાંકી તોડી નવી પાણીની ટાંકી બનાવેલ. આ મામલે સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવેલ ત્યારે ગતટર્મના કોર્પોરેટર વિષ્ણુભાઈ પટેલે આશ્વાસન આપેલ કે ટાંકી બનાવ્યા બાદ કોમન પ્લોટમાં વધેલી જમીન સોસાયટીને પરત કરી દેવામાં આવશે. પરંતુ વધેલી જમીન પરત કરવાની જગ્યાએ નગરપાલીકાએ કોમનપ્લોટની ફરતે વરંડો બનાવી દીધો હોવાથી રહીશો છેતરાયા હોવાનુ મેહસુસ કરી રહ્યા છે.
ગેરકાનુની રીતે કબ્જો કરી લીધો હોવાથી સોસાયટીના રહીશોને વાહન પાર્કીગ, તેમજ નાના-મોટા પ્રસંગો કરવામાં તકલીફો પડી રહી છે. આ સીવાય આ વરંડાના કારણે ચોમાસા દરમ્યાન 1 ફુટ જેટલુ પાણી પણ ભરાઈ જાય છે. જેથી રહીશોની માંગ છે કે, પાલીકાએ ગેરકાનુની વરંડો તોડી પાડી કોમન પ્લોટની વધારાની જમીન પરત કરવામાં આવે, નહી તો આગામી સમયમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
આ વિસ્તાર વોર્ડ નંબર 8 માં આવતો હોઈ રહીશોનો ત્રણે કોર્પોરેટરો ઉપર પણ રોષ ફાટ્યો છે. જેમાં કોર્પોરેટરો વિરૂધ્ધ આરોપ છે કે, ચુંટણી સમયે ભયશાબ-માબાપ કરતાં ઉમેદવારો ચુંટણી જીતી ગયા બાદ મતદારોની સમષ્યાની કોઈ સંભાળ લેવામાં આવતી નથી. આ વોર્ડના ત્રણ પૈકી 2 કોર્પોરેટર તો પાલીકામાં હોદ્દા ઉપર પણ બીરાજમાન છે તેમ છતાં આ વિસ્તારની સમષ્યાનુ નિરાકરણ નથી કરાઈ રહ્યુ. જેથી આગામી ચુંટણીમાં આ કોર્પોરેટરોને વોટની ચોટ આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે.