— ગેસ કનેક્શન મેળવી ચૂલો ફૂંકવામાંથી મુક્તિ મેળવનાર મહિલાઓ ફરી ચૂલો સળગાવવા મજબુર બની :
ગરવી તાકાત પાલનપુર : સરકારની પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના બનાસકાંઠામાં વધતી મોંઘવારી વચ્ચે દબાઈ છે. અને ફરી મહિલાઓ ચૂલો સળગાવવા મજબુર બની છે ત્યારે બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારની મહિલાઓની મજબૂરી મામલે મહિલાઓ રોષ ઠાલવી રહી છે.
બનાસકાંઠામાં ગામે ગામ સરકારની પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો લાભ લઈ ગેસ કનેક્શન મેળવ્યા
હતા પરંતુ હવે સ્થિતિ એવી થઈ છે કે આ ગેસની બોટલો ભરાવવા માટે પૈસા નથી. હવે જે બોટલો રસોડામાં જોવા મળતી હતી તે ખાલી એક ખૂણામાં માત્ર શોભાના ગાંઠિયા સમાન બની છે. પાલનપુરના કુંભાસણ ગામના લોકો ઘરેલુ ગેસના ભાવ વધતા સરકાર પાસે ભાવ ઘડાડો કરી સબસિડી આપે તેવી આશ રાખી બેઠા છે.

દુઃખની વાત એ છે કે, જ્યારે લોકોએ ગેસ કનેકશન લીધા ત્યારે અંત્યોદય કાર્ડ બીપીએલ કાર્ડમાં ગેસ જોડાણના સિક્કા લાગી જતા કેરોસીન મળતો જથ્થો મળતો પણ બંધ થઈ ગયો છે અને હવે ગેસ પણ મોંઘો થતાં બાવાના બન્ને બગડ્યા હોય તેવી સ્થિતિ બની છે. બનાસકાંઠા જિલ્લાના ગામેગામ હજારો
ગેસ કનેકશન લોકોએ મેળવ્યા છે.

જોકે ગેસ કનેક્શન લેતા સમયે જે ગેસ બોટલનો ભાવ ૩૦૦ થી ૪૦૦ હતો તે બોટલના ભાવ હવે ૧૦૦૦ જેટલા થઈ ગયા છે અને સરકાર તરફથી મળતી સબસિડી પણ મળતી નથી. ત્યારે હવે ગેસની બોટલો માળિયા પર મૂકી ફરીથી મહિલાઓ પરંપરાગત પદ્ધતિથી ચૂલો સળગાવી ભોજન બનાવવા મજબુર બની છે.
નોંધનીય છે કે સરકારે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના થકી મહિલાઓને લાકડા અને ચૂલાથી છુટકારો મળે માટે ગેસ કનેક્શન આપી સુવિધા માટેના પ્રયાસો કર્યા હતા. જોકે હવે મોંઘવારી અને ગેસના ભાવ નાથવામાં નિષ્ફળ ગયેલી સરકારની આ યોજના બનાસકાંઠા જિલ્લામાં પડી ભાંગી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર