ગરવી તાકાત,બનાસકાંઠા
દૂધ ભરાવવા જતાં લોકોને તેમજ રાહદારીઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે
અમીરગઢ તાલુકાના ઝાલરા કરઝા ગામમાં ઠેરઠેર રસ્તા પર ખાડા પડી જવાને કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે. તે ઉપરાંત અહીંથી દૂધ ભરાવવા જતાં લોકોને પણ ખાડામાં પડવાથી કેટલાક પશુપાલકોનું દૂધ પણ ઢોળાઈ જતું હોવાની રાવ વચ્ચે સમારકામની માંગ ઉઠી છે.
આ પણ વાંચો – નીતીન પટેલના હસ્તે ઉદ્ઘાટન થયેલ કડીની હોસ્પીટલમાં તુરંત સારવાર ન મળતા લોકોમાં રોષ
બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વિકાસના કામોમાં વ્યાપક ગેરરીતિને પગલે પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ તૂટી જતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદને પગલે ઠેર ઠેર રસ્તાઓ ધોવાઇ જવાને કારણે અને ખાડા પડી જવાને કારણે રાહદારીઓને તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. અમીરગઢ તાલુકાના ઝાલરા કરજા ગામમાં રસ્તા પર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી જવાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકોને નીકળવું ભારે મુશ્કેલ બન્યું છે. વાહન ચાલકો અહીંથી પસાર થઇ રહ્યા હોય તે વખતે તેમના વાહનો ખાડામાં પટકાવાથી ભારે હાલાકી પડી રહી છે. તે ઉપરાંત રાહદારીઓને પણ પસાર થવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ત્યારે આ બાબતે સત્વરે પગલાં ભરવામાં આવે અને ગ્રામજનોની મુશ્કેલીઓનું નિવેડો લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.