ગબ્બરમાં વાગે ઘૂઘરા.. રે.. આરાસુરમાં વાગે ઢોલ રે…
પાલનપુરના ઉમિયાનગર વિસ્તારમાં સાતમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. કોરોના મહામારીને કારણે ગત વર્ષે નવરાત્રિ થઈ શકી ન હતી પરંતુ ચાલુ વર્ષે ગાઈડલાઈન અનુસાર સરકારી શેરી ગરબાનું આયોજન કરવા માટે મંજુરી આપતા ખેલૈયાઓ બમણા ઉત્સાહ સાથે ગરબે ઘૂમી રહ્યા છે.
પાલનપુર સહિત જિલ્લાભરમાં નવરાત્રિ પર્વની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કેસો ઘટતાં સરકાર દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી કરવાની મંજુરી આપવામાં આવી છે. તેમાં સરકારી ગાઈડ લાઈન અનુસાર માત્ર સોસાયટીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગરબાનું આયોજન કરવાની સૂચના આપવામાં આવેલી છે ત્યારે પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષે કોરોના મહામારીને કારણે ગરબાનું આયોજન ન થઈ શકતા આ વર્ષે બમણા ઉત્સાહ સાથે ખેલૈયાઓ મન મૂકીને માતાજીના નોરતાં રમી રહ્યાં છે. પાલનપુરના ઉમિયાનગર વિસ્તારમાં સૌપ્રથમ માતાજીની આરતી કર્યા બાદ મોડી રાત સુધી ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઝુમી ઉઠ્યાં હતાં. આ ઉપરાંત પાલનપુરના અન્ય વિસ્તારમાં પણ નોરતાની રમઝટ જામી હતી.