પાંચ ફાયર કર્મીઓને ગળામાં સમસ્યા થઇ

હિમતનગરઃ હિંમતનગર – વિજાપુર રોડ પર મહિલા આર્ટસ કોલેજની સામેના ભાગમાં આવેલી નોનયુઝ ખાણોમાં કરવામાં આવેલા પુરાણના મટેરીયલમાં બુધવારે મોડી રાત્રે અગમ્ય કારણોસર આગ લાગતા ધુમાડાના ગોટેગોટાથી આસપાસના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાના ફાયર વિભાગ દ્વારા સવા છ કલાકની મહેનતને અંતે આગને ઠારવામાં સફળતા મળી હતી.

હિંમતનગરને અડીને આવેલા પાણપુરમાં વર્ષો જૂની પથ્થરની ખાણો ખોદકામ કરતા કરતા ઉંડી થઇ જતા ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા આવી લીઝને રદ કરવામાં આવી હતી અને સીરામીકના વેસ્ટનો નિકાલ કરવા માટે અગાઉ નક્કી કર્યા મુજબ નોનયુઝ ખાણોને સીરામીક વેસ્ટથી ભરવામાં આવી રહી છે અને તેમાં પ્લાસ્ટીક, લીક્વીડ, ઘન કચરાનો પણ સમાવેશ થાય છે. ડમ્પરો ભરી ભરીને તમામ પ્રકારનો વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો છે.

ઝેરી ઘન કચરામાં આગ લાગવાને પગલે વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા પેદા થતા આસપાસના રહીશોને શ્વાસ લેવામાં પણ સમસ્યા સર્જાઇ હતી. મોડી રાતે 11.45 વાગ્યે ફાયર બ્રિગેડને કોલ મળતા બે ફાયર ફાઇટર અને સાત ફાયર કર્મીઓએ આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જે સવાર સુધી ચાલુ રહ્યો હતો અને પાંચ ફાયર કર્મીઓના ગળામાં સમસ્યા થઇ હતી. ફાયર ઓફિસર પ્રતાપસિંહ દેવડાએ જણાવ્યુ કે સવારે 6.15 સુધી કામગીરી ચાલુ હતી અને 36 હજાર લિટર પાણીનો છંટકાવ કર્યો હતો.