મહેસાણા શહેરમાં ના તો જીએસટી ભરતાં, ના નગરપાલિકાનો વેરો ભરતાં, ના ઇન્કમટેક્સ ભરતાં અને સીઝનેબલ ધંધો કરતાં મીઠાઇ-ફરસાણના વેપારીઓની ઠેર ઠેર મોટા મંડપોની હાટડીઓ ખુલી
જીએસટી, નગરપાલિકાનો વેરો, ઇન્કમટેક્સ ભરતાં કાયદેસરના મીઠાઇ ફરસાણના વેપારીઓ નવરા ધૂપ
મીઠાઇ ફરસાણ એસોસિએશનના વેપારીઓને આવી સીઝનેબલ હાટડીઓ કારણે દિવાળીમાં પણ મંદીનો સામનો કરવો પડી રહ્યો છે
ગરવી તાકાત, મહેસાણા તા. 09 – દિવાળીના પર્વમાં મીઠાઇ તેમજ ફરસાણનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. જેના માટે મીઠાઇ ફરસાણનું વેચાણ કરતાં વેપારીઓ આ પર્વ દરમિયાન પોતાની દુકાન આગળ મંડપ બાંધી વેચાણ કરતાં હોય છે. હવે અહીં મહત્વની બાબત એ છે કે મીઠાઇ ફરસાણની દુકાન ધરાવતાં વેપારીઓ રેગ્યુલર સરકારનો ટેક્સ જીએસટી ટેક્સ ભરે છે. ઇન્કમટેક્સ ભરે છે. નગરપાલિકાનો ટેક્સ ભરે છે. આમ સરકારના તમામ ટેક્સ ભરી દિવાળીમાં સારા વેપારીની આશ લગાવીને મીઠાઇનું વેચાણ કરે છે. ત્યારે આ સંજોગોમાં મહેસાણા શહેરમાં ઠેર ઠેર મીઠાઇ અને ફરસાણના વેપાર કરી લાખો રુપિયા કમાઇ લેવાની લ્હાયમાં મીઠાઇ ફરસાણના વેપાર ન કરતાં અને સીઝનેબલ ધંધો કરી લાખો રુપિયા ઘર ભેગા કરવા પાર્ટી પ્લોટો પાસે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી મોટી મીઠાઇ ફરસાણની હાટડીઓ ખડકી દેવામાં આવી છે.
દિવાળીના મહાપર્વ દરમિયાન વિવિધ પ્રકારની મીઠાઇની ભારે બોલબાલા જોવા મળતી હોય છે. લાખો કરોડો રુપિયાની મીઠાઇનું વેચાણ માત્ર મહેસાણા શહેરમાં જ થાય છે. નોકરી કરતાં કામદારો, કર્મચારીઓ તમામને દિવાળીના આ મહાપર્વ દરમિયાન કંપનીઓ દ્વારા ફેકટરીના માલિકો દ્વારા કે કોર્પોરેટર ક્ષેત્રે કામકરતા તેમજ સરકારી સહકારી ક્ષેત્રે કામ કરતાં તમામ કર્મચારીઓને દિપાવલીના આ પર્વમાં મીઠાઇના પેકેટ આપવામાં આવતાં હોવાથી તેમજ દરેક પરિવાર બજારમાંથી પણ મીઠાઇ તેમજ ફરસાણની ખરીદી કરતાં હોવાથી દિવાળીના આ પર્વમાં લાખો કરોડો રુપિયાનો વેપાર થાય છે.
જેને પગલે સરકારનો તમામ ટેક્સ ભરી કાયદેસરના મીઠાઇ ફરસાણના વેપારીઓને દિવાળીની સીઝનમાં પણ મંદીનો સામનો કરવો પડે છે. મોટા મોટા મંડપોની હાટડીઓ મહેસાણા શહેરમાં ઠેર ઠેર ઉભી કરી દેવામાં આવી છે. આ સીઝનેબલ ધંધો કરતાં તત્વો ન તો મહેસાણા નગરપાલિકામાં કોઇ વેરો ભરે છે. ના તો કોઇ જીએસટીનો કર ભરે છે ના ઇન્કમટેક્સ ભરે છે છતાં પણ દિવાળીના મહાપર્વમાં આવા તત્વો મીઠાઇ ફરાસણની મોટી મોટી હાટડીઓ લગાવીને લાખો રુપિયા ઘરભેગા કરી દે છે.
મહેસાણા નગરપાલિકા અને જીએસટી અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવી જરુરી
દિવાળીના મહાપર્વ દરમિયાન મહેસાણા શહેરમાં મીઠાઇ ફરસાણના એસોસિએશનમાં ન આવતાં અને સીઝનેબલ ધંધો કરતાં શખ્સો દ્વારા શહેરમાં ઠેર ઠેર મોટા મોટા મંડપોની હાટડીઓ બાંધી મીઠાઇ ફરસાણનો વેપાર શરુ કરી દીધો છે. જેને પગેલ કાયદેસરના મીઠાઇ ફરસાણના વેપારીઓને દિવાળીના મહાપર્વમાં પણ નવરા બેસી રહેવાનો વારો આવે છે. મહેસાણા નગરપાલિકામાં વેરો ભરતાં, જીએસટી ભરતાં તેમજ ઇન્કમટેક્સ સહિત સરકારના તમામ વેરા ભરી વેપાર કરતાં આવા વેપારીઓને મોટી મોટી હાટડીઓ ઉભી કરી સીઝનબલ ધંધો કરતાં વેપારીઓને કારણે મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવી મીઠાઇ ફરસાણની હાટડીઓ પર મહેસાણા નગરપાલિકા તેમજ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ન તો સરકારમાં કોઇપણ પ્રકારનો ટેક્સ ભરતા આવા વેપારીઓ સીઝનમાં લાખો રુપિયા ઘર ભેગા કરી રહ્યા છે. ત્યારે આવી હાટડીઓ પર પગલાં ભરવામાં આવે તેવી કાયદેસરના વેપારીઓ દ્વારા માંગ ઉઠી રહી છે.