♦ 2023 માં ગુજરાતમાંથી સાઈબર ફ્રોડની 1,21,701 ફરિયાદો: દરરોજ 333 અને દર 4 મીનીટે એક : ફરિયાદ દીઠ સરેરાશ 12800 ગુમાવ્યા કે સ્થગીત થયા
♦ લોકસભામાં પેશ આંકડાકીય રીપોર્ટમાં ખુલાસો: દેશભરમાં 4.71 ફરિયાદીઓના 1200 કરોડ બચાવાયા:
સૌથી વધુ 1.97 લાખ સાઈબર ફ્રોડની ફરિયાદ ઉતરપ્રદેશમાંથી થઈ
ગરવી તાકાત, ગાંધીનગર તા. 09 – ડીજીટલ યુગમાં વધતા સાઈબર ફ્રોડમાં દેશભરમાં ગુજરાતના લોકોના સૌથી વધુ નાણા અટવાયા છે લોકસભામાં રજુ કરાયેલા આંકડાકીય રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે 2023 માં સાઈબર ફ્રોડમાં ગુજરાતના લોકોએ 156 કરોડ ગુમાવ્યા છે અથવા અટવાયા છે. સમગ્ર દેશમાં સાઈબર ફ્રોડમાં ગુમાવેલી અટવાયેલી રકમના 17 ટકા માત્ર ગુજરાતના છે.
સાઈબર ફ્રોડ સામે સરકારની 1930 નંબરની હેલ્પલાઈન છે તેમ ગુજરાનના લોકોએ 2023 ના વર્ષમાં 121701 કોલ કર્યા હતા અર્થાત દરરોજનાં 333 તથા દર ચાર મીનીટે એક કોલ થયો હતો. સાઈબર ફ્રોડની ફરીયાદના કોલ્સમાં ગુજરાતનો નંબર ત્રીજો છે. સૌથી વધુ 1.97 લાખ કોલ ઉતર પ્રદેશ તથા 1.25 લાખ કોલ મહારાષ્ટ્રમાંથી થયા હતા.
લોકસભામાં આઠ સદસ્યોએ સાઈબર ફ્રોડનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ગૃહ રાજયમંત્રી અજયકુમાર મિશ્રાએ આંકડાકીય રીપોર્ટ પેશ કર્યો હતો. ફરીયાદ દીઠ અટવાયેલા નાણામા પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. સાઈબર ફ્રોડનો શિકાર વ્યકિત દીઠ રકમ સરેરાશ 12800 હતી જયારે મહારાષ્ટ્રમાં આ રકમ સરેરાશ 8000 તથા ઉતર પ્રદેશમાં 3000 હતી.
સાઈબર નિષ્ણાંતોના કહેવા પ્રમાણે મોટાભાગના કેસોમાં તપાસ ફરીયાદ રૂપે જ થાય છે અને બહૂ ઓછામાં એફઆઈઆર નોંધાતી જાય છે. 1930 હેલ્પલાઈન નંબર તપાસનીસ એજન્સીઓની કામગીરીમાં તથા ભોગ બનતી વ્યકિતઓ વિશે પ્રક્રિયામાં સંકલન થઈ શકે તે માટે રખાયો છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સાઈબર કૌભાંડીયાઓ વખતો વખત મોડસ ઓપરેન્ડી બદલી નાખતા હોવાથી ફ્રોડ-ઠગાઈ પર કાબુ આવી શકતો નથી.અગાઉ ફોન આધારીત અથવા આઈપીના આધારે છેતરપીંડીના ઘટનાક્રમ સર્જાતા હતા. સુરક્ષા તંત્રે તે બ્લોક કરવાનું શરૂ કરતાં મોડસ ઓપરેન્ડી શરૂ કરી દીધી છે. હવે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ વિશ્વ સ્તરે ચિંતાનો વિષય બની ગયો છે. આ માટે તકેદારી રાખવાનો જ ઉપાય શ્રેષ્ઠ છે.
ગુજરાત સાઈબર સેલ દ્વારા ફ્રોડ લોન એપ, માલવેરનો ઉપયોગ કરતી નોકરી વાંચ્છુઓને છેતરતી, સોશ્યલ મિડિયા મારફત શિકાર કરતી અનેક ગેંગોનો પર્દાફાશ કર્યો છે. ઈન્ડીયન સાઈબર ક્રાઈમ કો.ઓર્ડીનેશન સેન્ટરમાં દેશભરની સાત જોઈન્ટ સાઈબર કો-ઓર્ડીનેશન ટીમોને સામેલ કરવામાં આવી છે.તેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.સમગ્ર દેશમાં 4.7 લાખ ફરીયાદીઓનાં 1200 કરોડ રૂપિયા બચાવી લેવાયા છે.