બનાસકાંઠાના ડીસામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ખૌફ ના હોય તે રીતે ગુનાઓને અંજામ આપી રહ્યા છે.
ત્યારે ડીસાના આખોલ પાસે આવેલ મહાકાળી મંદિર નજીક બે અજાણ્યા બાઈક સવાર શખ્સોએ કાર ચાલક સાથે ઝપાઝપી કરી કારની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી હતી.
આ લૂંટની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો હતો. બનાવ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે કાર લૂંટની ફરિયાદ નોંધાઈ હતી, જે અંગે તપાસનો ધમધમાટ હાથ ધરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ સમગ્ર લૂંટનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોની આ મામલે ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી મુજબ, ડીસાના લીલાશાનગરમાં રહેતાં હરેશભાઇ ઉર્ફે હરેશ શંકર પરમાનંદ ઉર્ફે પ્રેમાજી માળીને ત્યાં માલગઢ ગામના ડાયાભાઇ પ્રકાશજી માળી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.તા. ૧૧/૦૧/૨૦૨૨ ના રોજ રાત્રે ૮ વાગ્યાની આસપાસ ડ્રાઇવર ડાહ્યાભાઇ માળી કાર લઈને ડીસાથી આખોલ ચાર રસ્તા પર જતાં મહાકાળી મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા.
આ દરમિયાન બાઈક પર સવાર બે શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને કારને આંતરીને ડાહ્યાભાઈ સાથે ઝપાઝપી કરી હતી અને કારની લૂંટ ચલાવી ફરાર ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે કારના ડ્રાઈવરે હરેશભાઇ પ્રેમાજી માળીને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતા.
ત્યારબાદ તેમણે આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સોએ તેમની કારની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. તેમજ લુંટારાઓ જે ટોલટેકસ પરથી ગાડીને લઈને ફરાર થયાં હતાં જે ફાસ્ટ ટ્રેકના આધારે તપાસ કરતાં સમગ્ર લૂંટનો ભેદ ઉકેલી ત્રણ શખ્સો ગોવિંદજી વાઘેલા, કમલેશ વિશ્નોઇ, મુકેશ વિશ્નોઈને કાર સાથે ઝડપી પાડ્યા હતા
(ન્યુઝ એજન્સી)