રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે દારૂ બંધીનાં લીરેલીરા ખાખી વરદીએ ઉડાવ્યા હતા. ડ્રાઈવરે સરકારી ગાડી બેફિકરાઈથી હંકારી પથીકાશ્રમ સર્કલ નજીક રેલીંગ તોડી નાખી 100 ફૂટ અંદર સર્વિસ રોડ પર ગાડી ઘુસાડી દીધી હતી. આ ઘટનાના પગલે ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, પ્રત્યક્ષ દર્શીઓ મુજબ ખાખીની આડમાં ડ્રાઇવર ચિક્કાર દારૃ પીને સરકારી જીપ ચલાવતો હતો જેની ગાડીમાં દારૂની બોટલો પણ હતી.

પથીકાશ્રમ સર્કલ નજીક જીપ રેલીંગ સાથે અથડાઇ: ગાંધીનગરમાં દારૂની પ્રવૃતિ ફૂલીફાલી હોવાનો તાજો દાખલો ગઈકાલે રાત્રે ખાખી વરદી ડ્રાઇવરે આપી દીધો હતો. પથીકાશ્રમ સર્કલ નજીક સરકારી જીપના ચાલકે પોતાની જીપ ગફલતભરી અને બેફિકરાઈથી હંકારી જીપને રોડની રેલીંગ સાથે અથડાવી દીધી હતી. તેમ છતાં ભાન ભૂલેલા ખાખીધારીએ બ્રેક મારવાની જગ્યાએ જીપને રોડની સાઈડમાં 100 ફૂટ સુધી સર્વિસ રોડ સુધી હંકારી રાખી હતી. જેનાં કારણે રોડ પર ભયનો માહોલ છવાઈ ગયો હતો.


પીઆઈએ નશાની વાત નકારી: આ અંગે સેકટર-7 પીઆઈ મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એસઆરપીનો ડ્રાઈવર સરકારી ગાડી લઈને નિકળ્યો હતો. જેની આંખો અંજાઈ જવાથી ઘટના ઘટી હતી. જોકે, તે જીપમાં દારૂની બોટલો ન હતી. તેમજ ડ્રાઈવર પણ પીધેલ ન હતો. જો તે દારૂનાં નશામાં હોત તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોત.


