ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાનું આગમન ન થતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. આ વર્ષે સારા વરસાદના વાવડ મળતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને શરૂઆતમાં પડેલા સામાન્ય વરસાદમાં પણ ખેડૂતોએ વાવણી કરી દીધી હતી.

વરસાદની પડવાની આશાએ ખેડૂતોએ મોંઘા બિયારણો અને દવાઓ ખરીદીને વાવણી કરી દીધી. પરંતુ હવે વરસાદ અત્યાર સુધી નહી પડતાં જગતના તાતના માથે આભ તૂટી પડયું છે. દેવું કરીને વાવણી કરી દીધી હોવાથી હવે વરસાદ ખેંચાય તો જગતનો તાત દેવાના ડુંગર તળે દબાઇ જશે. બનાસકાંઠા જિલ્લામાં ત્રણ ડેમો ખાલીખમ ભાસી રહ્યા છે. પશુપાલન પર જીવન નિર્વાહ કરતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગત વર્ષે પણ જિલ્લાના 14 તાલુકા પૈકી 11 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા.