મારા પિતાને કેમ ઉધાર બીડી આપતો નથી તેમ કહી લાકડીઓ અને ધોકા વડે હુમલો
એકટીવાની લાઇટ કેમ બંધ કરતો નથી તેમ કહી બીજા જૂથનો ધારિયા અને ધોકા વડે હુમલો
ગરવી તાકાત, કડી તા. 27 – કડી તાલુકાના સુરજ ગામે દુકાનમાંથી ઉધાર બીડી ન આપવા જેવી નજીવી બાબતે બે પક્ષો સામ સામે આવી જતાં ધીંગાણું થયું હતું. જેમાં બંને પક્ષ તરફથી થયેલા હુમલામાં પાંચ લોકોને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે કડી હોસ્પિટલ ખાતે ખસડેવામાં આવ્યાં હતા જે બાબતે બંને જુથોએ સામ સામી પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કડી તાલુકાના સુરજ ગામે રહેતા ભરતજી ઠાકોર સૂરજ રોડ પર આવેલ પેટ્રોલ પંપની સામે પાન પાર્લરનો ગલ્લો ચલાવે છે ત્યારે તેમના જ ગામના અજય ઠાકોરના પિતા પાનના ગલ્લે ઉધાર બીડી માંગી હતી જે આપવાની પાન પાર્લરના માલિક ભરત ઠાકોરે ના પાડી હતી. જેને પગલે અજય ઠાકોર તેમજ તેના કાકા લક્ષ્મણ ઠાકોર હાથમાં ધોકા અને લાકડી લઇ પાન પાર્લર પર આવી બીડી કેમ ઉધાર આપતો નથી તેમ કહી હુમલો કર્યો હતો. જ્યાં ભરત હુમલા દરમિયાન બુમાબુમ કરતાં નજીકમાંથી તેમના ભાઇ ગુલાબ ઠાકોર તથા ખોડાભાઇ આવી છોડાવવાની કોશિશ કરતાં હુમલાખોરોએ તેમની પર પણ હુમલો કરી ફરાર થઇ ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા ત્યારે આ બાબતે હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.
તો બીજી તરફ સુરજ ગામે રહેતો અજય ઠાકોર અને તેના કાકા લક્ષ્મણજી ઠાકોર એકટીવા લઇને પેટ્રોલ પુરાવા ગયા હતા જ્યાંથી પેટ્રોલપંપ પરથી પેટ્રોલ પુરાવીને પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન પાન પાર્લર ચલાવતાં ભરત ઠાકોરના ગલ્લા પાસે એકટીવા ઉભુ રાખતાં એકટીવાની લાઇટ ચાલુ હોય ભરત ઠાકોરે લાઇટ બંધ કરી દેવાનું જણાવ્યું હતું જેથી અજય ઠાકોરે લાઇટ બંધ ન કરતાં બંને વચ્ચે ગાળાગાળી થતાં ભરત ઠાકોર તથા અન્ય બે ઇસમો ધોકા અને ધારિયા વડે અજય ઠાકોર તેમજ તેના કાકા લક્ષ્મણજી ઉપર હિચકારો હુમલો કર્યો હતો. આમ નજીવી બાબતે સામ સામે થયેલા હુમલામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે કડી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે બંને જૂથોએ સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.