— મહેસાણા પંથકમાં પોલીસની ઓસરતી ધાકને કારણે માઝા મુકતા વ્યાજખોરો
— એક વર્ષ પહેલા 5 ટકા વ્યાજે લીધેલા રૂ. 5 લાખના રૂ. 20 લાખ વસુલ્યા
— વધુ રૂ. 20 લાખ માંગી વ્યાજખોરોએ ખેરાલુમાં યુવાનને માર મારી લૂંટ ચલાવી
ગરવી તાકાત મહેસાણા: સતલાસણામા એક વર્ષ પહેલા રૂ. 5 લાખ વ્યાજે લેનારા ખેડૂતે રૂ. 20 લાખ ચુકવી દીધા હોવાછતાં વધુ રૂ. 20 લાખની ઉઘરાણી કરી વ્યાજખોર બારોટ શખસ સહિત બે શખસોએ ખેરાલુમાં ખેડૂતને માર મારી રૂ. 2.13 લાખ રોકડા અને ક્રેટા ગાડી સહિત રૂ. 11.13 લાખની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ભારે ચકચાર જાગી છે.
સતલાસણા તાલુકાના બારોટવાસમાં રહેતા મેહુલકુમાર રાજેશ બારોટ(ઉ.વ.21)નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે તેના રાણપુર ગામના વ્યાજખોર બારોટ અમિત કનૈયાલાલ અને વસઇના બારોટ વિજય હર્ષદભાઇનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આજથી એકાદ વર્ષ પહેલા ફરિયાદીને નાણાની જરુરીયાત પડતા નાણા ધીરધારનું લાયસન્સ ન ધરાવતા હોવાછતાં વ્યાજવટાવનો ધંધો કરતા આરોપી અમિત બારોટ પાસેથી રૂ. 5 લાખ 5 ટકા માસિક વ્યાજે લીધા હતા. ફરિયાદીએ નાણા વ્યાજે લીધાના બે માસ બાદ આરોપીએ તેનું વ્યાજ સીધુ 10 ટકા કરી નાખ્યું હતું અને
ફરિયાદીને અવાર-નવાર ધાકધમકી આપી ત્રુટક-ત્રુટક રૂ. 20 લાખથી વધુ રકમ પડાવી લીધા બાદ પણ નાણાની ઉઘરાણી ચાલુ રાખી હતી અને તા.25ને શુક્રવારના રોજ ફરિયાદી ખેરાલુ ગયા હતા ત્યારે આરોપી અમિતે તેના સાળા વિજય સાથે થાર ગાડીમાં ત્યા જઇ ફરિયાદીને તેની ગાડીમાંથી બહાર ખેંચી ગડદાપાટુનો માર મારી વધુ રૂ. 20 લાખની ઉઘરાણી કરી રૂ. 2.13 લાખની રોકડ અને રૂ. 9 લાખની ક્રેટાની લૂંટ ચલાવી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે સાળા-બનેવી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
— ખેતી પર લોન લઇ ફરિયાદીએ આરોપીને રૂ. 10 લાખ આપ્યા
ફરિયાદીના પિતાએ ખેતીની જમીન પર લોન લઇ આરોપીને રૂ. 10 લાખ આપ્યા હતા. જેમાં રૂ. 5 લાખ રોકડા અને રૂ. 5 લાખનો ચેક આપ્યો હતો. આ ઉપરાંત અનેક વખત ગુગલે અને અને ઓનલાઇન નાણા આરોપીને આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે