ગરવીતાકાત,અરવલ્લી: સાબરકાંઠાના એક ગ્રામ્ય વિસ્તારના એપાર્ટમેન્ટમાં કોર્પોરેટ ઓફિસ ધરાવતી એક ફાઈનાન્સ લિમિટેડ કંપની સંચાલન કરવામાં “ગોથું” ખાઈ જતા બંને જીલ્લાના ૫૦ કરોડથી વધુ રૂપિયા લોકોના ફસાતા પ્રજાજનોની હાલત કફોડી બની છે. સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં શહેરી વિસ્તારોમાં અને તાલુકા મથકોએ ભપકાદાર ઓફિસ ખોલી ગોલ્ડ પર ફક્ત ૧ % વ્યાજે લોન આપી વિશ્વાસ કેળવી લોકો પાસેથી ઉંચા વ્યાજ આપવાની લાલચ આપી કરોડો રૂપિયા ફિક્સ ડિપોઝીટ પેટે ઉઘરાવ્યા હતા. લોકો સાથે છેતરપિંડી કરી છેલ્લા સપ્તાહથી વધુ સમયથી તમામ ઓફિસને તાળા મારી રફુચક્કર થતા ફાઈનાન્સ લિમિટેડ કંપનીએ ઉઠમણું કરી લીધું હોવાની ચર્ચાએ ભારે ચકચાર મચાવી છે.

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં સસ્તા દરે ગોલ્ડ પર ધિરાણ મેળવનાર લોકો ફસાઈ ગયા છે. લોનના હપ્તા ભરાઈ ગયા પછી ગોલ્ડ અને સોનાના દાગીના પરત માંગતા ફાઈનાન્સ પેઢીના માલિક અને કર્મચારીઓ ગલ્લા-તલ્લા કરી ગ્રાહકોને ૧ મહિના થી પરત મોકલતા ગોલ્ડ પણ ગુમાવવાનો વારો આવ્યો છે, ખાનગી પેઢીના બંને માલિકો ઘરને તાળા મારી સપ્તાહ પહેલા રાજસ્થાનની વાટ પકડી લીધી છે.

ફાઈનાન્સ પેઢીના માલિકોએ ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાજનોને લૂંટવા બનાવેલી મોડસ ઓપરેન્ડી બંને જીલ્લાનાગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર એજન્ટ્સની નિમણૂંક કરી ગરીબ અને ભોળી પ્રજાને કંપનીમાં રોકાણ કરવા નિતનવા નુસ્ખા અપનાવી ફાઈનાન્સ કંપનીના પરપ્રાંતીય સંચાલકો કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી ગાયબ થઈ જતા લોકોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓ, ખેડૂત, શ્રમજીવી પરિવારોના ઘરે નાની બચત રૂપી રૂપિયા નાખવા બોક્સ મૂકી દર મહિને ખેડૂતોએ શ્રમજીવી પરિવારોએ કરેલી બચત ફાઈનાન્સ કંપનીમાં જમા કરાવવાની સામે વર્ષે દહાડે મોટું વળતર આપવાની લાલચ આપી અને સ્થાનિક ગામનાજ એજન્ટ ઉભા કરી રૂપિયા ઉઘરાવી લેતા ખેડૂતો અને શ્રમજીવી પરિવારોની પરસેવાની કમાણી ડૂબી જતા દયનિય હાલતમાં મુકાયા છે.

તસ્વીર અહેવાલ તરુણપુરોહિત અરવલ્લી 

Contribute Your Support by Sharing this News: