માત્ર રાજકોટ શહેર જ નહીં પણ જિલ્લામાં પણ ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના દેતડિયા ગામના સરપંચ વિજય દડુભાઈ વાળાએ જમીનની માથાકુટમાં કૌટુંબિક કાકાના લમણે ત્રણ ગોળી મારીને હત્યા કરી નાંખી છે.

કાકા ભરતભાઈ બિચ્છુભાઈ વાળાની હત્યા થતા સમગ્ર કોટડાસાંગાણી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યા કર્યા બાદ સરપંચ વિજયભાઈ સામેથી પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસ ટીમે સંવેદનશીલ વિસ્તારમાં જપ્તો ગોઠવી નાંખ્યો હતો.

વિજય વાળાએ પોતાના કૌટુંબિક કાકા પાસેથી 38 વિઘા જમીન વેચાણ માટે લીધી હતી. થોડા વર્ષો પહેલા જ્યારે આ અંગે વાતચીત થઈ હતી કે, માપણી સમયે જો જમીન વધારે નીકળશે તો પરત આપી દેવાની રહેશે. આ જમીન અંગે કાકા-ભત્રીજા વચ્ચે તકરાર ચાલતી હતી.

કાકા ભરતભાઈ જ્યારે દેતડિયાથી ઈશ્વર્યા સણથલીના રસ્તે જઈ રહ્યા હતા ત્યારે વિજય વાળા ત્યાં ધસી આવતા બંને વચ્ચે મોટાપાયો ઝઘડો થયો હતો. એ સમયે વિજય પાસે રહેલી રિવોલ્વરથી તેણે ફાયરિંગ કર્યું હતું. કાકાના માથામાં ત્રણ ગોળી મારી દીધી હતી અને કાકાની હત્યા નીપજાવી હતી. ગોળી માથામાં લાગતા ખોપડી ફાટી ગઈ હતી.

ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સરપંચે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું ત્યારે થોડા સમય માટે પોલીસ પણ ચોંકી ઊઠી હતી. ભરતભાઈના પુત્ર જયદીપે સરપંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ટીમ સાથે PSI આર.ડી. ચૌહાણ દોડી ગયા હતા.

દેતડિયાના સરપંચ વિજય વાળા પાસે રિવોલ્વરનું લાયસન્સ છે. જે હથિયારની મદદથી ફાયરિંગ કર્યું એ પરવાનો ધરાવતું હથિયાર છે કે નહીં કે પછી કોઈ બીજાનું હથિયાર છે એ અંગે પ્રાથમિક તપાસ ચાલી રહી છે. આ અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.

લાંબા સમયથી ચાલતો જમીન વિવાદ જીવલેણ સાબિત થયો હતો. ભરબપોરે હાઈવે પર આ ઘટના બનતા સમગ્ર ગામમાં ક્રાઈમ બ્રાંચ તથા SOGની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે એવું પણ જણાવ્યું કે, હથિયાર કોનું છે એ હાલ તપાસ ચાલું છે. જમીનની અદાવતમાં એક વ્યક્તિની હત્યા કરી નાંખવામાં આવી છે.

Contribute Your Support by Sharing this News: