સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં દીકરીઓએ દીકરાની ફરજ અદા કરી હતી. માતાનું અવસાન થતાં ચાર દીકરીઓએ પોતાની માતાના દીકરા બનીને કાંધ આપી હતી એટલું જ નહીં સ્મશાન ધામ પહોંચી ચારેય દીકરીઓના હસ્તે પોતાની માતાને અગ્નિદાહ પણ આપવામાં આવ્યો હતો.
આમ, દીકરીઓએ પોતાની માતાને પુત્રની ખોટ સાલવા દીધી નહીં અને પુત્ર ધર્મ પણ નિભાવ્યો હતો. મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના લાલ દરવાજા વિસ્તારમાં રહેતા જયંતિભાઈ બબલદાસ મોદીના ધર્મપત્ની મંજુલાબેન છેલ્લા ઘણા સમયથી બીમાર હતા.
ત્યારે 75 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. પરંતુ વયસ્થ મહિલાને એકપણ દીકરો ન હતો. જેથી મંજુલાબેનની ચારેય દીકરીઓએ પુત્ર ધર્મ નિભાવી પોતાની માતાની અર્થીને કાંધ આપી હતી. એટલું જ નહીં ચારેય દીકરીઓએ સ્મશાન ધામે પહોંચીને અગ્નિદાહ પણ આપ્યો.
આ ચારેય પુત્રીઓએ પુત્રની ખોટ સાલવા દીધી ન હતી. ત્યારે હાલ આ ચારેય દીકરીઓએ નિભાવેલી ફરજ સમાજ માટે પણ પ્રેરણારુપ છે
(ન્યુઝ એજન્સી)