ગરવી તાકાત પાટણ : પાટણ શહેરમાં આવેલી નગરપાલિકાએ બનાવેલા અને તેની જ માલિકીના જે જૂના થઈ ગયા હોય તેવા ત્રણ શોપીંગ સેન્ટરોનાં ભાડુઆતોને નોટિસ ઇશ્યુ કરીને કાં તો આ શોપીંગ સેન્ટરોમાં દુકાન ધરાવતા ભાડુઆતોને તેમની દુકાનોનું રિપેરીંગ સ્વખર્ચે કરવા અથવા તો આ દુકાનો ખાલી કરીને નગરપાલિકાને તેનો ભોગવટો સોંપી દેવાની તાકીદ કરી છે. તેમજ આ શોપીંગ સેન્ટરોનું રિપેરીંગ કરવાની જવાબદારી હવે જે-તે દુકાનના ભાડુઆતોના શિરે નાંખી દીધી છે.
પાટણ શહેરમાં પાટણ નગરપાલિકાનાં અંદાજે 35 જેટલા શોપીંગ સેન્ટરો આવેલા છે. ક્યાંક તેની જગ્યામાં બનાવેલી બે ત્રણ દુકાનોનાં જૂથ પણ છે. એમાં બે ચાર શોપીંગ સેન્ટરોને બાદ કરતાં ઘણા શોપીંગ સેન્ટરો 30થી 40 વર્ષ જૂના થઈ ગયા છે. કાળની થપાટો સહન કરવાની સાથે ભાડુઆતોની બેદરકારી કે નિષ્કાળજીના કારણે તેની સમયાંતરે સારસંભાળ નહિં રાખવાનાં કારણે અનેક જૂના કોમ્પલેક્ષ બિસ્માર અને જર્જરિત થઇ ગયા છે. જે ભવિષ્યમાં ક્યારેક દુર્ઘટના સર્જી શકે તેમ છે. તાજેતરમાં જ પાટણનાં સુભાષચોકમાં વાદી સોસાયટી સામેનાં બિલ્ડીંગનાં છેવાડાની એક દુકાનનું છજુ તૂટી પડ્યું હતું. જો હાલમાં બગવાડા પાસેનાં પશુભૂવન વાળી જગ્યાની દુકાનોની છત અને સીડીઓના સ્લેબ તૂટ્યા હતા.
અગાઉ મીટર હાઉસની કેટલીક દુકાનોની છતોમાંથી પોપડા ખર્યા હતા. આવી દુર્ઘટનાઓ બની ચુકી છે. નાના ભાડુઆત વેપારીઓએ તેનાં રિપેરીંગ માટે પાટણ નગરપાલિકાને રજૂઆત કરતાં તેમણે તેમનાં સ્વખર્ચે રિપેરીંગ કરવાની શરતે મંજૂરી આપી હતી. ત્યારે આજે પાટણ નગરપાલિકાએ 40 વર્ષ જૂની બિલ્ડીંગોના રિપેરીંગ માટેની જવાબદારી જે-તે બિલ્ડીંગના ભાડુઆતો-દુકાનદારોના શિરે મૂકી દીધી છે અને હાલમાં 40 વર્ષ જૂના શોપીંગ સેન્ટરોને નોટીસ આપી દીધી છે. આ નોટીસ શહેરના નગરપાલિકા હસ્તકના તમામ શોપીંગ કોમ્પલેક્ષોના ભાડુઆતોને આપવામાં આવશે.
આ અંગે જાણકારી આપતાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફીસર પંકજભાઇ બારોટે જણાવ્યું હતું કે, અમે પાટણની સરકારી દવાખાનાની બહારના ભાગે પાસે આવેલી દુકાનો પાટણનાં બગવાડે આવેલા જકાતનાકાની દુકાનો, પશુભુવનની દુકાનો કે જે 40 વર્ષ જુની બિલ્ડીંગો અને જર્જરીત થઇ છે. તેમનો નોટીસો આપી છે. બાકીનાને ક્રમશઃ નોટીસો આપીશું.
તેમણે જણાવ્યું હતું કે અમે નોટીસમાં જણાવ્યું છે કે, આ શોપીંગ સેન્ટરની દુકાનનું બાંધકામ 40 વર્ષથી જૂનું છે. તમામ કબજા ભોગવટાવાળી દુકાનનું જરૂરી રિપેરીંગ તમારા સ્વખર્ચે કરાવવા અહિંથી તમને પરવાનગી આપવામાં આવે છે. તમારા તેમજ અન્ય નાગરીકોનાં જાનમાલને નુકસાન ન થાય તે માટે તાત્કાલિક જરુરી રિપેરીંગ કામ કરાવી લેવું અન્યથા દુકાનનો કોઇપણ ભાગ પડવાથી તમારા તેમજ અન્ય નાગરીકોનાં જાનમાલને નુકસાન થશે તો આપની અંગત જવાબદારી રહેશે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ — પાટણ