ગરવી તાકાત મેહસાણા: મહેસાણામાં નાગલપુર હાઇવે શૌચાલય નજીક માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંડર ગ્રાઉન્ડ વરસાદી પાણી નિકાલની લાઇન નાંખવા માટે ગુરુવારે સવારે હિટાચીથી ખોદકામ દરમ્યાન અંડરગ્રાઉન્ડ નર્મદા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં સવારે આસપાસની 20 જેટલી સોસાયટીમાં પીવાના નર્મદાના પાણીનો સપ્લાય ઠપ થયો હતો.જોકે ત્વરિત નગરપાલિકાની ટીમ દ્વારા લીકેજ મરામત હાથ ધરાઇ હતી અને બપોર સુધીમાં લાઇન રાબેતામુજબ કરાઇ હતી.આ દરમ્યાન હાઇવે ટચ વિસ્તારના ફ્લેટ અને સોસાયટીઓ નર્મદાના પાણીથી વંચિત રહી હતી.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ અંડરપાસની સાથે સાથે એપોલો એન્કલેવથી માંડીને છેક ખારીનદી સુધી વરસાદી પાણી નિકાલની લાઇન નાંખવા ખોદકામ કરવામાં આવી રહ્યુ છે. જેમાં સવારે કોલેજ અને પે એન્ડ યુઝ શૌચાલય વચ્ચે મેઇન નર્મદા પાણીની લાઇન લીકેજ થઇ હતી.
સોસાયટીઓમાં પાણી સપ્લાયના સમયે જ લાઇન લીક થતાં પાણી સપ્લાય થઇ શક્યો નહોતો.જેમાં ધરતી,અવધી, પૃથ્વી ફ્લેટ,શક્તિધારા,આદર્શ, નવદીપફ્લેટ સહિત 20 જેટલી સોસાયટીઓને ગુરુવારે નર્મદાનું પાણી પહોચ્યુ નહોતું.જ્યારે પકવાન પાછળની સોસાયટીઓને બપોરે બોર આધારિત પાણી સપ્લાય કરાયો હોવાનું વોટરવર્કસના સૂત્રોએ કહ્યું હતું.