મહેસાણામાં ક્ષત્રિય સમાજે હાય રૂપાલા હાય હાય..ના સૂત્રોચ્ચારથી કલેકટર કચેરી સંકુલ ગુંજી ઉઠ્યું
રૂપાલાની ટિકીટ રદ નહી કરવામાં આવે તો ગામે ગામે ક્ષત્રિય સમાજના ગામોમાં ભાજપના કાર્યકર કે આગેવાનોને પ્રવેશ આપવામાં નહી આવે
ગરવી તાકાત, મહેસાણા તા. 06 – પરસોતમ રૂપાલાનો વિવાદ શમવાનું નામ નથી લેતોં ક્ષત્રિય સમાજમાં આ વિવાદ વધુને વધુ વેગવંતો બનતો જાય છે. પરસોતમ રૂપાલા દ્વારા કરાયેલા ક્ષત્રિયોની ટીપ્પણી વિરુદ્ધની આગ વધુને વધુ વેગ પકડી રહી છે. આ આગ હવે ઉત્તર ગુજરાતમાં પણ પ્રસરી ગઇ છે અને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજે પરસોતમ રૂપાલા વિરુદ્ધ ભરડો લીધો છે.
ત્યારે મહેસાણા જિલ્લામાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે કે રૂપાલાની ટિકીટ રદ કરો જેને લઇને મહેસાણા જિલ્લા કલેકટરને ક્ષત્રિય સમાજ અને શ્રી રાજપૂત કરણી સેનાના મહેસાણા જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો દ્વારા આજે કલેકટર કચેરીમાં હાય રૂપાલા હાય હાય…ના સૂત્રોચ્ચાર તેમજ ક્ષાત્રા ધર્મ કી જય ના નારા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયા સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિયાણી બહેનો હાજર રહી રૂપાલા વિરુદ્ધ વિરોધ નોંધાવ્યોં હતો.
લોકસભાની ચૂંટણીના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદાસ્પદ વિધાનોના મામલે વિરોધ આંદોલન ચલાવી રહેલા ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી રદ્દ ન થાય ત્યાં સુધી લડત ચાલુ જ રાખવાનું જાહેર કર્યુ છે. ‘ઓપરેશન રૂપાલા’ ગામે ગામ સંમેલન યોજવાનું એલાન કરવામાં આવ્યું છે. 12મી એપ્રિલ પછી વધુ આક્રમક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે અને ગુજરાત ઉપરાંત દેશના 22 રાજયોમાં આંદોલન વિસ્તારવામાં આવશે. ક્ષત્રિય સમાજનો વિરોધ માત્રને માત્ર પરસોતમ રૂપાલા સામે જ છે અને તેઓની ટીકીટ રદ્દ થાય એ જ એક માત્ર માંગણી છે. પાટીદાર કે અન્ય કોઇ સમાજ સાથે લડાઇ નથી. એક વ્યકિતને બચાવવા માટે ભાજપ આખા સમાજનો રોષ વેઠી રહ્યો છે.
ક્ષત્રિય સમાજનો વિરોધ માત્રને માત્ર પરસોતમ રૂપાલા સામે જ છે અન્ય કોઇ સમાજ સાથે લડાઇ નથી – રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના મહેસાણા જિલ્લા પ્રમુખ અજિતસિંહ જાડેજા
આજે મહેસાણા કલેકટર કચેરીમાં રાજપૂત કરણી સેનાના મહેસાણા જિલ્લા પ્રમુખ અજિતસિંહ જાડેજા સહિત ક્ષત્રિય આગેવાનોએ મોટી સંખ્યામાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ બાબતે મહેસાણા જિલ્લાના રાષ્ટ્રીય કરણી સેનાના મહેસાણા જિલ્લાના પ્રમુખ અજિતસિંહે જણાવ્યું હતું કે જો રુપાલાની ટિકીટ રદ નહીં કરવામાં આવે તો ભાજપના કોઇપણ કાર્યકર કે આગેવાનોને ક્ષત્રિયોના ગામમાં પ્રવેશ કરવા દેવામાં નહી આવે તેમજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે તેમજ ભાજપનો ખુલ્લો વિરોધ કરવામાં આવશે. આગામી સમયમાં મહેસાણા જિલ્લાના ગામે ગામ યાત્રા કરીશું પત્રિકા આપી સમાજને રુપાલાના આ વિવાદ અંગે જાગૃત કરીશું તેમજ પત્રિકાઓ આપી ભાજપની આ કઠણી અને કરણીનો ખુલાસો કરીશું. વધુમાં જણાવ્યું હતું કે આમારો કોઇપણ સમાજ સાથે કોઇ વિરોધ નથી અમારી માંગ માત્ર રુપાલાની ટિકીટ રદ કરો એટલી જ છે જો ટિકીટ રદ નહી થાય તો તેનો ભોગ અન્ય 26 બેઠકોને ભોગવવો પડે તો નવાઇ નહી હોય. ‘‘હમ તો ડૂબેંગે સનમ તૂમે ભી લે ડૂબેંગે જેવો થાય’’