— કોરોનાની ત્રીજી લહેરના લોકડાઉન બાદ
— સંચાલકો પર ભરોસો ન હોય તેમ બાળકોને શાળાએ મોકલવાનો વાલીઓનો ધરાર ઇનકાર,183904 કુલ બાળકોમાંથી448030 હાજ
ગરવી તાકાત મેહસાણા: કોરોનાની ત્રીજી લહેરના પગલે મહેસાણા જિલ્લા સહિત રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો હતો. જેના પગલે રાજ્ય સરકારે ધોરણ ૧ થી ૮ સુધીની પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવાનો આદેશ કર્યો હતો. દરમિયાનમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાવાના પગલે સરકારે પ્રાથમિક શાળાઓમાં સરકારની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓની હાજરી વચ્ચે શાળાઓ ખોલવાનો આદેશ કર્યો હતો. જે મુજબ મહેસાણા જિલ્લાની શાળાઓમાં આજે એકાદ માસના કોરોના વેકેશન પછી બાળકોની સાવ પાંખી હાજરી જોવા મળી હતી. શાળા સંચાલકો પર ભરોસો ના હોય તેમ વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયારી દર્શાવતાં નથી. શાળાઓ ખુલવાના આજે પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાની શાળાઓમાં માત્ર ૨૪.૩૭ ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. એટલે કે, વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાની હિંમત કરી નહોતી.
મહેસાણા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરના પગલે સરકારના આદેશથી ધોરણ ૧ થી ૮ સુધીની પ્રાથમિક શાળાઓમાં વેકેશન પાડી દેવામાં આવ્યું હતુ. એટલે કે, દિવાળી વેકેશન બાદ શાળાઓ માંડ ખુલી હતી ત્યાં કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધવાના પગલે વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનું માંડી વાળતાં સરકારે પ્રાથમિક શાળાઓમાં વેકેશન જારી કરી દીધું હતુ. આશરે એકાદ માસના કોરોના વેકેશન બાદ આજે સોમવારે જિલ્લાની પ્રાથમિક શાળાઓ ખુલી હતી. દિવાળી વેકેશન બાદ શરૃ થયેલી શાળાઓ બાળકો ઉમટી પડયાં હતા. જો કે, કોરોનાની ત્રીજી લહેર વધુ સક્રિય થઈ હતી. રોજબરોજ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થતો રહ્યો હતો. આરોગ્ય તંત્રની ઊંઘ ઉડી ગઈ હતી. દરમિયાનમાં વાલીઓએ પણ સરકારને શાળાઓને બંધ કરવા રજૂઆતો કરી હતી અને પોતાના બાળકોને શાળાઓમાં મોકલવાનું બંધ કરી દીધું હતુ. જેના પગલે ચોંકી ઊઠેલી સરકારે ગત ૯ જાન્યુઆરીથી ધોરણ ૧ થી ૮ સુધીની પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો આદેશ કર્યો હતો.
દરમિયાનમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં રોજબરોજ ઘટાડો નોંધાતો રહ્યો હતો. આરોગ્ય તંત્રએ પણ રાહત અનુભવી હતી. કોરોના કેસોની સંખ્યા ઘટવાના પગલે સરકારે ધોરણ ૧ થી ૮ સુધીની પ્રાથમિક શાળાઓ શરૃ કરવાનો હુકમ કર્યો હતો. જે મુજબ કોરોના વેકેશન બાદ આજે શાળાઓ ફરીથી ધમધમતી થઈ હતી. શાળાઓમાં સરકારની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યાં હતા. જિલ્લાના મહેસાણા, બેચરાજી, વડનગર, જોટાણા, કડી, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, વિજાપુર અને વિસનગર તાલુકાની શાળાઓમાં વાલીઓએ કચવાતા મને બાળકોને મોકલ્યાં હોય તેમ આજે સોમવારે પ્રથમ દિવસે શાળાઓમાં બાળકોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી હતી. મહેસાણા જિલ્લાની ૯૮૬ શાળાઓમાં નોંધાયેલાં ૧૮૩૯૦૪ બાળકોમાંથી ફક્ત ૪૪૮૩૦ છાત્રો હાજર રહ્યાં હતા. એટલે કે જિલ્લાની શાળાઓમાં માત્ર ૨૪.૩૭ ટકા વિદ્યાર્થીઓની હાજરી રહેવા પામી હતી.