ગરવી તાકાત મહેસાણા: મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા વાહન સંબંધિત ગુના આચરનારા 68 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કર્યો હતો. જે અંતર્ગત આરટીઓ દ્વારા 68 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઇ છે.
જિલ્લામાં નશો કરી વાહન ચલાવનાર, વાહન અકસ્માતમાં મોત નિપજાવનાર અને રોંગ સાઇડ તેમજ બેદરકારીપૂર્વક વાહન ચલાવનારા વિરુદ્ધ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરાઇ હતી. જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 6 મહિનામાં આવા કુલ 68 વાહન ચાલકોનો રિપોર્ટ આરટીઓને સોંપાયો હતો.
જેમાં નશામાં વાહન ચલાવનારા 21 વાહન ચાલકો, વાહન અકસ્માતમાં મોત નિપજાવનાર 17 વાહન ચાલકો અને રોંગ સાઇડ અને બેદરકારીથી વાહન ચલાવનારા 30 વાહન ચાલકો મળી કુલ 68 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ 6 મહિના માટે રદ કરવામાં આવ્યા હોવાનું આરટીઓએ જણાવ્યું હતું.