ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના હૈદરી ચોક નજીક રહેતા પરિવારની યુવતીને પ્રમલગ્ન કર્યા બાદ તેણીના પતિ, સાસુ અને સસરા દ્વારા શારીરીક માનસિક ત્રાસ આપવાનું શરૃ થયું હતું. મારઝુડ કરતા આખરે એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
મહેસાણાના હૈદરી ચોક નજીક સ્ટેડીયમ સામે રહેતા પરિવારની દિકરી પુરીબેન તેજાભાઈ મારવાડી લોકોના ઘરકામ કરતી હતી તે વખતે ઊંઝાના ભાવેશ વિષ્ણુભાઈ પટેલ સાથે સંપર્ક થયો હતો. બાદમાં બન્ને જણાએ ભાગી જઈને ગત તા.૧૦-૧-૨૨ના રોજ કોર્ટ મેરેજ કરી લીધા હતા.લગ્ન બાદ પરિણીતા વતન ઊંઝામાં તેના સાસુ અને સસરા સાથે રહેતી હતી. જયારે તેનો પતિ અંકલેશ્વર રહેતો હતો.ત્રણ મહિના બાદ સાસુ અને સસરા દ્વારા સામાન્ય બાબતે મહેણાટોણાં મારી ત્રાસ આપવાનું શરૃ થયું હતું.
દરમિયાન તા.૧૪-૬-૨૦૨૨ના રોજ પરિણીતા અને તેના સાસુ સસરા અંકલેશ્વર ગયા હતા. અહીં તેના પતિ ભાવેશે ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી કંટાળેલી યુવતી ત્યાંથી મહેસાણા પરત આવી હતી અને પોતાના પરિવારને જાણ કરતાં સિવીલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. આ અંગે તેણીએ મહેસાણા એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા પોલીસે પતી સહિત ત્રણ સામે ગુનો દાખલ કર્યો હતો.