ગરવી તાકાત મહેસાણા : ખેરાલુમાં સરકારી નોકરી કરી રહેલા કર્મચારી પતિ ઉપર પત્નીના પ્રેમીને છરી વડે હુમલો કરતા હોબાળો મચી જવા પામ્યો હતો ઇજાગ્રસ્ત પતિએ સારવાર લઈ મહેસાણા ખાતે રહેતા પત્નીના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
ખેરાલુ તાલુકા હેલ્થ ઓફિસમાં છેલ્લા ચૌદેક વર્ષથી પ્રોગ્રામ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા નરોત્તમભાઈ અમરતભાઈ ભાખરીયા દોઢેક વર્ષ અગાઉ પોતાની પત્ની અને બાળકો સાથે મહેસાણા શહેરમાં આવેલ સત્યમ રેસીડેન્સીમાં રહેતા. તે વખતે તેમની પત્નીને સોસાયટીમાં રહેતા નરેશ ગૌતમભાઈ રાઠોડ સાથે આડાસંબંધો બંધાતા તેની સાથે રહેવા ચાલી ગઈ હતી. જોકે,થોડા સમય બાદ તેણીને પાછા પોતાના પરિવાર સાથે આવવું હોવાથી તે પોતાના પતિ સાથે ફોન ઉપર વાતો અને મેસેજ કરતી.
જેની જાણ થતાં નરેશ નરોત્તમ અને તેમની પત્નીને અવારનવાર ધમકીઓ આપતો. પરિણામે તેઓ મહેસાણાથી તેમના વતન ઊંઝા રહેવા જતા રહ્યા હતા. દરમિયાન ખેરાલુ તાલુકા હેલ્થ ઓફિસમાં તેઓ ફરજ ઉપર હતા તે વખતે પત્નીનો ફોન આવતા નરોત્તમભાઈ બહાર નીકળ્યા હતા.
તે વખતે ઓફિસના કંપાઉન્ડમાં એકાએક દોડીને આવી રહેલા નરેશ રાઠોડે તેમની ઉપર હુમલો કરીને છરીના ૨ ઘા ઝીંકી દીધા.જેથી તેઓ લોહીલુહાણ થતાં બુમાબુમ કરી મુકતા બ્લોક હેલ્થ ઓફિસમાં કામ કરી રહેલા અધિકારીઓ અને સહકર્મચારીઓ બહાર દોડી આવ્યા. તેઓને જોઈને નરેશ ત્યાંથી નાસી ગયો હતો.ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે સિવીલમાં લઈ જવાયા હતા.આ ઘટના અંગે ખેરાલુ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી.